કોરોનાથી મોતને ભેટેલા વ્યકિતઓના પેટલાદમાં ગેસ સગડીમાં અગ્નિ સંસ્કાર કરાતા ફ્ફડાટ
- અત્યાર સુધીમાં 14 ના અંગ્નિસંસ્કાર કરાયા : સંક્રમણની દહેશત
- ગેસ સગડીના બે બર્નર કામ કરતા બંધ થતા ગમે ત્યારે મૃતદેહ ફસાઈ જવાની ભીતિ
પેટલાદ તા. 10 જુલાઈ 2020, શુક્રવાર
આણંદ જિલ્લામાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે પેટલાદમાં પણ કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થતો હોવાના સમાચાર સાંપડે છે. તેવામાં કરમસદ મેડિકલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને મૃત જાહેર કરાયા બાદ તેને પેટલાદના સ્મશાનમાં લાવવામાં આવે છે. જેને લઈને પેટલાદના નગરજનો ચિંતાતુર બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં જિલ્લા બહારના લુણાવાડા ૨ અમદાવાદ નડિયાદ એક એક ઉપરાંત ખંભાતના કોરોનામાં મૃત્યુ પામેલ વ્યકિતને પેટલાદ કૈલાસ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવેલ છે. પેટલાદ સ્મશાનમાં ગેસઆધારિત સગડીમાં અત્યાર સુધીમાં ૧૪ જેટલા મૃતદેહ અગ્નિ દાહ આપવામાં આવ્યો છે. આ કોરોના ગ્રસ્ત મૃતદેહ સગડીમાં નાખવાથી પ્લાસ્ટિક ઓગળીને બર્નરમાં ચોટી જવાના કારણે હાલ બે બર્નર કામ કરી રહ્યા નથી અને એક જ બર્નર કાર્યરત હોવા છતાં આ સિલસિલો યથાવતા રહેવા પામતા નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્મશાનમાં કામ કરતા પાલિકાના કર્મચારીઓ અને નગરવાસીઓમાં કોરોના સંક્રમિત થવાનો ભય ચારેતરફ ફેલાયેલો છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં કરમસદ. વી.વી.નગર.નાર. સુણાવ. કણીસા. વાસદ.. મોગરી જેવા ગામોમાં ગેસની ભઠ્ઠી હોવા છતાં પેટલાદના સ્મશાનમાં આણંદ જિલ્લા સિવાયના મૃતદેહને લાવવામાં આવતા હોવાથી પેટલાદ નગરજનોમાં ભારે ચિંતા સાથે ભય સતાવી રહ્યો છે.