મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરના દ્વાર ખૂલતા ભાવિક ભક્તો ઉમટયા
- મંદિર ટ્રસ્ટ દ્વારા થર્મલ સ્ક્રીનિંગ, હેન્ડસેનેટાઇઝર, હાથ ધોવાની વ્યવસ્થા સાથે 10- 15 ભક્તોને પ્રવેશ અપાયો
નડિયાદ, તા.8 જૂન 2020, સોમવાર
ખેડા જિલ્લામાં લોકડાઉનને હળવું કરવા અંશતઃ અનલોક જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજથી જિલ્લાના અનેક મંદિરોના દ્વાર ખુલ્યા હતા.મહેમદાવાદના સિધ્ધિ વિનાયક મંદિરમાં આજે ચોથના દિવસે ભાવિકભક્તો દર્શનાર્થે ઉમટયા હતા.
ખેડા જિલ્લામાં આજ થી કેટલાક મંદિરોમાં દર્શન માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. મહેમદાવાદમાં આવેલ સિધ્ધી વિનાયક દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ આજથી મંદિર ખોલવામાં આવ્યુ હતુ.મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં થર્મલ સ્ક્રીનીંગ, હેન્ડ સેનીટાઈઝર અને હાથ ધોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મંદિર સવારે ૬-૩૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી દર્શન માટે ખોલવામાં આવ્યુ છે.આ ઉપરાંત મંદિરમાં એકસાથે પંદર વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.વળી મંદિર ટ્રસ્ટ દ્વારા આઈસોલેશન રૃમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સિધ્ધિ વિનાયક દેવસ્થાનના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, આજે પ્રથમ દિવસે ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.આ ઉપરાંત આજે ચોથ હોવાના કારણે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટયા હતા.જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા આવનાર યાત્રાળુઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી યાત્રાળુઓ શાંતિથી દર્શનનો લાભ મળી રહે.આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સીંગ,માસ્ક અને સેનીટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યારે ટ્રાફીક સંચાલન માટે દશ હોમગાર્ડ જવાનો અને ટી.આર.બી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.પ્રત્યેક શ્રધ્ધાળુને ટેમ્પરેચર અને સેનીટાઇઝ કરીને મંદિર પરિસરમાં એન્ટ્રી આપવામાં આવે છે તેમ જણાવ્યુ હતુ.