નડિયાદ શહેરમાં સિટી બસ સુવિધા શરૂ કરવા નગરજનોની માંગણી

- મનફાવે તેવા ભાડાં વસૂલતા રિક્ષાચાલકો
- શરૂ કરવામાં આવેલી શહેરી પરિવહન સેવા ખોટના બહાના હેઠળ બંધ કરી દેવાઈ હતી
નડિયાદ નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે બાદમાં ખોટના બહાના હેઠળ સીટી બસ સુવિધા બંધ કરવામાં આવી હતી. બાદમાં આણંદ નગરપાલિકા દ્વારા સીટી બસ સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેને મુસાફરોનો સારો પ્રતિસાદ સાંપડયો હતો.
જેથી આણંદથી નડિયાદ તેમજ નડિયાદ બાંધણી ચોકડીની સિટી બસ શરૂ કરાઇ હતી. બાદમાં નડિયાદ નગરપાલિકા દ્વારા ખાનગી સિટી બસ સેવા શરૂ કરી હતી. જેમાં નડિયાદ આણંદ, નડિયાદ વડતાલ, નડિયાદ દંતાલી બામરોલી, નડિયાદ વસો દેવા, નડિયાદ હાથજ વાલ્લા વગેરે ગામડાઓને સાંકળતી સિટી બસો શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર આ સીટી બસ બંધ કરવામાં આવી હતી. હાલમાં મોટાભાગના ગામડાઓમાં એસટી બસો બંધ છે. બીજી બાજુ રિક્ષા જેમાં ખાનગી વાહનચાલકો સમતાથી વધુ મુસાફરો ભરી બેફામ ગતિએ દોડી રહ્યા છે તેમજ મુસાફરો પાસેથી મનસ્વીપણે ભાડું વસુલી રહ્યા છે. રિક્ષાચાલકો દ્વારા મિનિમમ રૂ. ૧૦ થી ૨૦ ભાડુ વસૂલવામાં આવી રહ્યું છે. ત્યારે નડિયાદ શહેરમાં બંધ કરવામાં આવેલી સિટી બસ શરૂ કરવા નડિયાદ શહેરના તેમજ હાથજ, વડતાલ, દંતાલી, દાવડા, વસો, દેવા પંથકના મુસાફરોમાં લાગણી વ્યાપી છે.

