જનસેવા,એટીવીટી સેન્ટરનાં કોમ્પ્યુટર ઓપરેટરોએ આવેદનપત્ર આપ્યું

- શ્રમ વિભાગના પરિપત્ર મુજબ વેતન આપવા માંગણી
- ઓછો પગાર આપી શોષણ કરાતું હોવાની ફરિયાદ, તમામ લાભો આપવા માંગણી કરાઇ
ખેડા જિલ્લામાં નડિયાદ,વસો સહિત તાલુકાના જનસેવા કેન્દ્ર તથા એટીવીટી કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરોએ લઘુતમ વેતન મુજબ પગાર આપવા માંગણી કરી છે. આ મુદ્દે ઓપરેટરોએ મામલતદારોને આવેદન પત્ર આપ્યું છે.
સરકારે કરેલ પરિપત્ર મુજબ એપ્રિલથી તેનો અમલ કરી વેતન આપવા સરકારી વિભાગોને તાકીદ કરી છે. આમ છતાં ત્રણ ત્રણ મહિના થવા છતાં તેનો અમલ ન થતાં રોષે ભરાયેલા આઉટશોસીંગ કોમ્પ્યુટર ઓપરેટરોએ પગાર વધારા મુદ્દે મામલતદારોને આવેદનપત્ર આપી લઘુતમ વેતન મુજબ વેતન સહિતના લાભો આપવા માગણી કરી છે.
આ કોમ્પ્યુટર ઓપરેટરોને માંડ રૂ. ૫,૦૦૦ થી રૂ. ૫,૫૦૦ પગાર આપવામાં આવે છે. તેમને વિવિધ લાભો આપવામાં આવતા નથી મોંઘવારીના સમયમાં પરિવારના જીવન નિર્વાહ માટે આઉટસોસગ કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ રૂ. ૧૫,૦૦૦ જેટલું વેતન મળવું જોઈએ. આ કોમ્પ્યુટર ઓપરેટરોને સરકારી કામોનો બહોળો અનુભવ છે. જનસેવા તથા એટીવીટીની કામગીરીથી સરકારને સારી આવક મળે છે. તેમ છતાં સરકાર દ્વારા બેફામ શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્રોશ તેઓએ ઠાલવ્યો હતો.
આમ સરકાર દ્વારા લઘુત્તમ વેતન ધારાનો ખુલ્લે આમ ભંગ કરવામાં આવી રહયો હોવાનો તેઓનો મત છે. સરકારના શ્રમ વિભાગના તા.૧/૪/૨૩ ના પરિપત્ર મુજબ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તમામ કોમ્પ્યુટર ઓપરેટરોનો પગાર વધારો અમલી બનાવવામાં આવ્યો છે. આ પરિપત્રમાં એપ્રિલથી લઘુતમ વેતન મુજબ વેતન ચૂકવવા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.
આમ છતાં કોમ્પ્યુટર ઓપરેટરોને પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન પ્રમાણે પગાર ચૂકવવામાં આવતો નથી. ત્યારે ખેડા જિલ્લામાં સરકારી કચેરીઓમાં આઉટ શોસિંગ કોમ્પ્યુટર ઓપરેટરોને લઘુત્તમ વેતન મુજબ પગાર સ્લીપ, ઓળખપત્ર સહિતના લાભો આપવા માંગણી કરવામાં આવી છે. નડિયાદ ખાતે નાયબ શ્રમ આયુક્ત અધિકારી દ્વારા સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા આઉટ સોસિંગ તેમજ કોન્ટ્રાક્ટ બેઝના કોમ્પ્યુટર ઓપરેટરોને શ્રમ વિભાગના પરિપત્ર મુજબ વેતન, પગાર સ્લીપ, ઓળખ કાર્ડ, પી.એફ. સહિતના લાભો અપાવવા પ્રબળ લાગણી વ્યાપી છે.

