Updated: Mar 18th, 2023
- લોન આપવાના નામે ગઠિયો છેતરી ગયો
- પ્રોસેસિંગ ફી, જીએસટી, કરંટ એકાઉન્ટ ખોલાવવા, ટ્રાન્સફર ચાર્જ, એનઓસી ચાર્જના નામે પૈસા ખંખેરી લીધા
આણંદ : આણંદ તાલુકાના મોગરી ગામે રહેતા એક શખ્સને લોન અપાવવાની લાલચ આપી અજાણ્યા શખ્સે મોબાઈલ પેમેન્ટ એપ્લીકેશન તેમજ બેંક ખાતામાંથી મળી કુલ્લે રૂા.૧.૨૮ ઉપરાંતની મતા પડાવી લઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયો છે.
મોગરી ગામે મફતપુરા શુકલની ખરી સામે રહેતા રાજેન્દ્રભાઈ ભાયલાલભાઈ વાણંદને ગત તા.૧ નવેમ્બર-૨૦૨૨ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તમારે લોનની જરૂરીયાત છે તેવું પૂછ્યું હતું. જેથી રાજેન્દ્રભાઈએ હા પાડતા સામેથી એક શખ્સે રૂા.૨ લાખની લોન કરાવી આપીશું તેમ જણાવ્યું હતું અને આધારકાર્ડ તેમજ પાનકાર્ડની નકલ વોટ્સએપ પર મોકલવા જણાવ્યું હતું. જેથી રાજેન્દ્રભાઈએ પાનકાર્ડ અને આધારકાર્ડની નકલ મોકલી આપતા થોડીવાર બાદ ફરીથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારી લોન મંજૂર થઈ જશે. જો કે તમારે પહેલા રૂા.૨૧૫૦ પ્રોસેસીંગ ફી ભરવી પડશે જે મોબાઈલ નંબર ઉપર મોકલી આપો તેમ જણાવતા રાજેન્દ્રભાઈએ ગુગલ-પેથી નાણા મોકલી આપ્યા હતા. બાદમાં હેલ્થ ઈન્શ્યોરન્સના રૂા.૪૨૯૦ મોકલવાનું જણાવાતા રાજેન્દ્રભાઈએ મિત્ર શૈલેષભાઈના ગુગલ-પેથી મોકલ્યા હતા. ત્યારબાદ રૂા.૯૮૦૦ જીએસટીના મોકલવાનું જણાવતા મિત્ર નરેન્દ્ર સોલંકીના ગુગલ-પે એકાઉન્ટથી નાણા મોકલ્યા હતા. બાદમાં આ શખ્સ દ્વારા પુનઃ ફોન કરી કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને રૂા.૧૨૫૦૦ મંગાવતા સંજયભાઈ ઠાકોરના ગુગલ-પે એકાઉન્ટથી નાણા મોકલાવ્યા હતા. જો કે આ નાણા જમા થયેલ નથી તેમ જણાવતા ફરીથી રૂા.૧૨૫૦૦ મોકલી આપ્યા હતા. બાદમાં રૂા.૧૦૫૦૦ આરબીઆઈ ટ્રાન્સફર ચાર્જના પણ મોકલતા નાણા જમા ન થયા હોવાનું જણાવી ફરીથી મંગાવ્યા હતા. આ નાણા મોકલ્યા બાદ લોન ક્યારે મળશે તેમ પૂછતા રાજેન્દ્રભાઈને સામેથી કાલે તમારા ખાતામાં નાણા જમા થઈ જશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે અજાણ્યા શખ્સે ફરીવાર ફોન કરી તમારી લોન તૈયાર છે તેમ જણાવી એનઓસી ચાર્જના રૂા.૨૦ હજાર અને અલગથી રૂા.પાંચ હજાર મંગાવતા રાજેન્દ્રભાઈએ નાણા મોકલી આપ્યા હતા. આમ રૂા.૮૭,૨૪૦ મોકલવા છતાં લોનની રકમ ખાતામાં જમા ન થતા પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાતા તેઓએ નાણાની પરત માંગણી કરી હતી. આ સમયે અજાણ્યા શખ્સે તમારે પૈસા પાછા જોઈતા હોય તો પ્રથમ રૂા.૨૫ હજાર અને બાદમાં રૂા.૧૫૮૦૦ એસબીઆઈના બેંક એકાઉન્ટમાં મોકલી આપવા જણાવ્યું હતું. જેથી રાજેન્દ્રભાઈએ જનતા ચોકડી ખાતે આવેલ એસબીઆઈના મશીન મારફતે રૂા.૪૦૮૦૦ મોકલી આપ્યા હતા. બાદમાં આ શખ્સ દ્વારા વધુ નાણાની માંગણી કરાતા રાજેન્દ્રભાઈએ નાણા મોકલ્યા નહતા અને પોતાની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું માલૂમ પડતા સાઈબર પોલીસ મથકે ફરીયાદ આપી હતી.