ઠાસરા પાલિકા તંત્ર દ્વારા ચોમાસા પહેલા કાંસોની સફાઈ હાથ ધરાઈ
- પ્રિ.મોન્સુન કામગીરી અંતર્ગત તંત્ર એલર્ટ મોડમાં
- પંચાયતની જૂની કચેરીથી શાહપુર સાંઢેલી સહિત વિસ્તારોમાં કાંસની સફાઈ કરાય તેવી માંગ
નડિયાદ, તા.9 જૂન 2020, મંગળવાર
ઠાસરા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે.પાલિકા વિસ્તારમાં આવતા અને નગરનુ પાણી જે કાંસમાં જાય છે તે તમામ કાંસોની સફાઇ હાથ કરવામાં આવી હતી.
પાલિકા વિસ્તારમાં આવેલા કાંસમાં ભૂલી તલાવડી આશાપુરી માતાજીના મંદિર પાસેના કાંસોમાં સફાઇ હાથ ધરી છે.ગયા વર્ષે ચાલુ વરસાદે રેલ્વે ગરનાળુ સાફ કરવાની ફરજ પડી હતી. ગયા ચોમાસામાં તલાવડીની નજીકમાં ઉપરવાસમાં આવેલ વિસ્તારોમાં બે-બે ફુટ વરસાદી પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા અને ઘરવખરીને ખુબ નુકસાન થયુ હતુ.આ વર્ષે પાલિકા દ્વારા અગમચેતી રાખી જે.સી.બી મશીનથી કાંસની સફાઇ હાથ ધરી છે.પાલિકા ચીફઓફિસર ડી.ડી.શ્રીમાળી,પાલિકા પ્રમુખ દિપકભાઇ રોહિત અને ઉપપ્રમુખ ભાવિનભાઇ પટેલ સ્થળ પર હાજર રહી કાંસમાંથી પથ્થરો ઝાળી,ઝાંખરા કઢાવી કાંસ ચોખ્ખો કરાવ્યો હતો.
એજ રીતે પાલિકાના બીજા વિસ્તારો જેવા કેં પીપલવાડા રોડ-ઢેઢીયા તલાવડીથી શેઢીશાખા નહેર સુધી કાંસ,સાઇરૃન,શેઢી નદીના કાંસની સુજલામ સુફલામ યોજના હેઠળ કામગીરી શરૂકરવામાં આવી છે.પાલિકા વિસ્તારની ચારેય બાજુ આવેલા કાંસ સાફ કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરી છે.જેથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઇ જવાની ફરિયાદ હતી તે હવે નહીવત જોવા મળશે તેમ સ્થાનિક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
આ અંગે પાલિકા ચીફઓફિસર ડી.ડી.શ્રીમાળીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ભૂલીતલાવડી બહુચરાજી મંદિરથી ઔરંગપુરા,પીપલવાડા રોડ, ઇન્દિરાનગરીના કાંસની સફાઇ હાથ ધરી છે.પરંતુ ઠાસરા પંચાયતની જૂની કચેરીથી શાહપુર સાંઢેલી થી જે.એમ.દેસાઇ હાઇસ્કુલ-ઠાસરા તળાવ સુધીના કાંસ સાફ કરવાની થાય તેવી શહેરીજનોની માંગ છે.