ગળતેશ્વરના ઘડીયામાં ત્રણ માસથી વીજધાંધિયાની સમસ્યાથી લોકોમાં રોષ
- વીજતંત્રને વારંવાર રજૂઆત છતા કોઈ પગલાં ન લેવાયા
- ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન અપાયું, તાકીદે પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચિમકી
નડિયાદ, તા. 22 જુલાઈ 2020, બુધવાર
ગળતેશ્વર તાલુકાના ઘડીયા તથા આસપાસના પરાં વિસ્તારોના સરપંચ તથા ગ્રામજનોએ મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં છેલ્લા ત્રણેક મહિના જેટલા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં હોવાનું જણાવ્યું છે.
ગળતેશ્વર તાલુકાના ઘડીયા, અંઘાડી તથા રૃસ્તમપુરા પરાં વિસ્તારોના સરપંચ તથા ગ્રામજનોએ મામલતદારને એક આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે અંઘાડી, રૃસ્તમપુરા તથા ઘડીયા ગામમાં છેલ્લા ત્રણેક મહિનાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જેથી ખેડૂતો તથા ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ત્રણેક મહિનાથી ૨૪ કલાક તથા ૮ કલાકની વીજ લાઈનમાં પુરવઠો અવારનવાર ખોરવાઈ જતા જી.ઈ.બી. ઠાસરાને વારંવાર જાણ કરવામાં આવી છે. છતાં આ ગંભીર સમસ્યા પ્રત્યે તંત્ર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવે છે.
ઉપરાંત તેમાં જણાવ્યું છે કે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જતાં ગ્રામજનોને બફારાને લીધે ગરમીમાં શેકાવું પડે છે અને ઘોર અંધારાનો સામનો પણ કરવો પડે છે. વળી ઘડીયા ગ્રામ પંચાયતના તમામ પેટા પરાં વિસ્તારમાં વોટર વર્કસ આવેલ હોવાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા બોર કુવામાં ચાલતી મોટર બળી જવાથી નુકશાન થાય છે. ચોમાસામાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને ધરુવાડીયામાં પાણી આપવું પડે છે અને આઠ કલાકનો વીજ પુરવઠો આપવામાં આવે છે તે પણ ખોરવાઈ જતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જો આ સમસ્યાનો વહેલી તકે અંત લાવવામાં નહિ આવે તો આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ ચિમકી ઉચ્ચારી છે.