નડિયાદમાં આતંક મચાવનાર વધુ 1 કપિરાજને વન વિભાગે પાંજરે પૂરતા રાહત
- 48 કલાકની જહેમત બાદ તંત્રને સફળતા મળી
- શહેરના મિલ રોડ પરના સુભાષનગરમાં વાનરે એક વ્યક્તિ પર હિંચકારો હુમલો કરી લોહીલૂહાણ કર્યો હતો
નડિયાદ તા.21 જૂન 2020, રવિવાર
નડિયાદ શહેરના મિલરોડ પર આવેલ સુભાષનગરમાં કપિરાજે થોડા દિવસો પહેલા એક વ્યક્તિ પર હિચકારો હૂમલો કર્યો હતો.આ ઘટના બાદ વનવિભાગ દ્વારા પાંજરૃ મૂકી આંતકી કપિરાજને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.આજરોજ આંતકી કપિરાજને ઝડપી પાડતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.નડિયાદ વન વિભાગની ટીમે ૪૮ કલાકની ભારે જહેમતબાદ આજે આતંકી વાનરને પકડી પાડયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના મિલ રોડ ઉપર આવેલ સુભાષનગરના ગત તા.૧૯ જૂનના રોજ ૧ વ્યક્તિ પર હૂમલો કર્યો હતો.જેથી તેઓને તાત્કાલીક સારવાર અર્થે નડિયાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને અમદાવાદ રીફર થવાનું જણાવ્યું હતું. જેથી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે. તેઓને પગના ભાગે વધુ ઈજા હોવાના કારણે ઓપરેશન કરાવવું પડયું હતું.આ અગાઉ તા.૮ જૂનના રોજ કપિરાજે ૧૦ થી વધુ લોકોને બચકા ભર્યા હતા.આમ છેલ્લા ૧૨ દિવસથી વાનરનો આંતક જોવા મળી રહ્યો છે.
આમ છેલ્લા કેટલાંય સમયથી નડિયાદ શહેરની જૂની અને નવી મીલ વિસ્તારમાં વસવાટ કરતા કપિરાજોમાંનો એક કપિરાજ હડકાયો થયો હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યાં છે. આ અગાઉ પણ આ કપિરાજે આ વિસ્તારમાં દસથી વધુ લોકોને ઘાયલ કર્યા હતા.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વનવિભાગ દ્વારા તોફાની કપિરાજને પકડવા માટે પાંજરા મુક્યુ હતુ.જેમાં એક કપિરાજ પકડાયો હતો. પરંતુ બીજો આતંકી કપિરાજ ન પકડાતાં વલ્લભ વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરાતા ફાઉન્ડેશનના સભ્યો નડિયાદ દોડી આવ્યા હતા અને કપિરાજને પકડવાની જહેમત ઉઠાવી હતી.
જેમાં આજરોજ સવારે સફળતા મળતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.નડિયાદ વન વિભાગની ટીમે ૪૮ કલાકની ભારે જહેમતબાદ આજે આતંકી વાનરને પકડી પાડયો હતો.