કપડવંજ પાસેના સોની પુરા રેલવે ફાટક પાસે આઈસર પલટી ખાતાં 1 નું મોત

- ખેડા જિલ્લામાં વધી રહેલી માર્ગ અકસ્માતની સંખ્યા
- ચાલકે વાહન પરનો કાબુ એકાએક ગુમાવી દેતા રસ્તાની સાઇડમાં આઇસર ખાબક્યું : ગંભીર ઇજાને કારણે સારવારમાં ચાલકનું મૃત્યુ
કપડવંજ શહેર અને તેની આસપાસના રસ્તાઓ પર તાજેતરના સમયમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાજેતરમાં અહીંના સોની પુરા રેલવે ફાટક પાસે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં આઇસર ચાલકનું મોત નિપજ્યું હતું. કપડવંજના સોનીપુરા રેલવે ફાટક પાસે શનિવારે મોડી રાત્રે એક આઇસર ટ્રક પલટી ખાઇ ગઇ હતી. આઇસરમાં મુસાફરી કરનારા ડાહ્યાભાઈ પૂંજાભાઈ પટેલ (રહે.અટેરા, તા.ભિલોડા, જિ.અરવલ્લી)એ પોલીસમાં આપેલી ફરિયાદ અનુસાર આઇસર ચાલક જીવાભાઈ અમૃતભાઈ રાવળ આઇસર ટ્રક લઇને સોનીપુરા રેલવે ફાટક પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે તેમણે એકાએક વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. તેમણે પોતાની આઇસર ટ્રક ગફલતભરી રીતે પૂરઝડપે હંકારતા વાહન સોનીપુરા રેલવે ફાટક નજીક રોડની સાઇડ પર પલટી ખાઈ ગયું હતું. આઇસર પલટી ખાઇ જવાને કારણે વાહન ચલાવી રહેલા જીવાભાઈ અમૃતભાઈ રાવળને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને શરીરે કમરના ભાગે ગંભીર ઇજાની સ્થિતિમાં જ સારવાર માટે તાત્કાલિક કપડવંજની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા. આઇસર પલટી ખાઇ જવાના આ અકસ્માતના બનાવ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં રજી ગુના નં૨૩૧/૨૨ મોટર વ્હિકલ એક્ટ ૨૭૯--૩૦૪ મુજબ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

