ખેડા જિલ્લાની 513 ગ્રામ પંચાયતોનું રોટેશન જાહેર, OBC 27% અને મહિલાઓ માટે 50% અનામતનો અમલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kheda Gram Panchayat election 2026 : ખેડા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા 11 તાલુકાની 513 ગ્રામ પંચાયતો માટે સરપંચ પદનું અનામત રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. રોટેશન જાહેર થતાં જ ગામડાઓમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને અગાઉથી તૈયારી કરી રહેલા અનેક દાવેદારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં યોજાઈ શકે ચૂંટણી
ખેડા જિલ્લામાં ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની પ્રબળ શક્યતાઓ છે. આ ચૂંટણી પૂર્વે વહીવટી તંત્ર દ્વારા સરપંચના હોદ્દાની ફાળવણીની કવાયત 20 નવેમ્બર 2026ના રોજ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા પંચાયત અધિનિયમ મુજબ જિલ્લાના તમામ 11 તાલુકાઓની પંચાયતો માટે કેટેગરી મુજબ બેઠકોની વારાફરતી ફાળવણી કરી દેવાઈ છે.
બિનઅનામત રહેલી અનેક બેઠકો અનામત કેટેગરીમાં ફેરવાઈ
આ જાહેરાત સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને આ વખતે રાજ્ય સરકારના નવા જાહેરનામા મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે, ઓબીસી માટે 27 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈનો અમલ કરવામાં આવ્યો છે. આ નવા નિયમને પગલે ભૂતકાળમાં બિનઅનામત રહેલી અનેક બેઠકો આ વખતે ઓબીસી અથવા અન્ય અનામત કેટેગરીમાં ફેરવાઈ ગઈ છે. જેના કારણે ઘણા સમયથી સરપંચ બનવાના ઓરતા સેવીને તૈયારી કરી રહેલા દાવેદારોની ગણતરી ઊંધી વળી છે.

ચાની કીટલીઓથી લઈને ચોરા સુધી ચર્ચા
ગામડાઓમાં ચાની કીટલીઓથી લઈને ચોરા સુધી હવે માત્ર કોણ ઉમેદવારી કરશે તેની જ ચર્ચાઓ ચાલી રહી છે. જે બેઠકો અનામત જાહેર થઈ છે ક્યાં સ્થાનિક રાજકીય જૂથો પોતાના સમર્થક અને યોગ્ય ઉમેદવારની શોધમાં લાગી ગયા છે. બીજી તરફ છેલ્લી ઘડીએ પોતાની બેઠક અનામત થઈ જતા કેટલાક દાવેદારોમાં ભારે નિરાશા વ્યાપી છે અને તેઓ હવે પડદા પાછળ રહીને પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની રણનીતિ ઘડી રહ્યા છે.
50 ટકા બેઠકો મહિલા માટે અનામત
મહિલા અનામતના નિયમ મુજબ ફાળવાયેલી બેઠકોના કારણે ગ્રામ પંચાયતોના વહીવટમાં મહિલાઓનું વર્ચસ્વ જોવા મળશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને સામાન્ય વર્ગ મળીને કુલ બેઠકોમાંથી 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જેના કારણે અનેક ગામોમાં નવા ચહેરાઓને નેતૃત્વ કરવાની તક મળશે.
કપડવંજમાં 85 ગ્રામ પંચાયતોનું રોટેશન જારી
જિલ્લામાં સૌથી વધુ ગ્રામ પંચાયતો કપડવંજ તાલુકામાં આવેલી છે. કપડવંજમાં કુલ 85 ગામોમાં સરપંચ પદ માટે ફાળવણી કરાઈ છે. જ્યારે સૌથી ઓછી પંચાયતો ફાગવેલ તાલુકામાં છે, જ્યાં માત્ર 18 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઠાસરા અને મહેમદાવાદ બંને તાલુકામાં સમાન 65 ગ્રામ પંચાયતો માટે રોટેશન નક્કી કરાયું છે.
ખેડા જિલ્લામાં તાલુકાવાર ગ્રામ પંચાયતોની સંખ્યા
- તાલુકો ગ્રામ પંચાયતની સંખ્યા
- કપડવંજ 85
- મહેમદાવાદ 65
- ઠાસરા 65
- કઠલાલ 47
- માતર 46
- મહુધા 43
- નડિયાદ (ગ્રામ્ય) 39
- ખેડા 38
- ગળતેશ્વર 35
- વસો 22
- ફાગવેલ 18




