દુષ્કર્મ ગુજારી ધમકી આપતા મહિલાના પતિએ કર્યો આપઘાત
- કેશોદ તાલુકાના બાલાગામમાં રહેતા મૂળ પાદરડીના શખ્સે
- મહિલાએ પાદરડી રહેતા શખ્સ સામે દુષ્કર્મ ગુજારી પોતાના પતિને મરવા મજબુર કર્યાની નોંધાવી ફરિયાદ
જૂનાગઢ, તા. 4 જુલાઈ, 2020, શનિવાર
કેશોદ તાલુકાનાં એક ગામમાં રહેતી મહિલા પર હાલ બાલાગામના અને મૂળ પાદરડીના શખ્સે ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં તેણીના પતિને ધમકી આપી હતી. જેથી મહિલાના પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મહિલાએ દુષ્કર્મ તથા પોતાના પતિને મરવા મજબુર કર્યાની ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાનાં એક ગામમાં રહેતી મહિલા સાથે મૂળ પાદરડી ગામનાં અને હાલ બાલાાગમમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે કાના ડાયા માવદીયાએ પ્રેમસંબંધ રાખ્યો હતો. આ મામલે મહિલાના પતિ તેને સમજાવવા જતા તેને ગાળો આપી ધમકી આપી સમાજમાં કયાંય મોઢુ બતાવવા જેવો નહી રહેવા દઉ તેમ કહ્યું હતું. અને મહિલાને રાજકોટ બોલાવી ત્યાંથી ભેંસાણ તાલુકાના બરવાળા ગામે લઈ જઈ ત્યાં મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અને ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાના પતિને તારી પત્નીને ઉપાડી ગયો હતો. અને હજુ ઉપાડી જઈશ તારાથી થાય તે કરી લે જે તેવી ધમકી આપી હતી. આથી મહિલાના પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બે માસ પહેલા બનેલી આ ઘટના અંગે મહિલાએ જીતેન્દ્ર ઉર્ફે કાના માવદીયા સામે પોતાના પર દુષ્કર્મ ગુજારી પોતાના પતિને ધમકી આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ કરતા કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.