જમ્યા બાદ બિલ આપ્યા વિના પોલીસ અધિકારીએ ચાલતી પકડતા હોટેલની માલકણએ શું કર્યું?
જૂનાગઢ, તા. 31 જુલાઇ 2019, બુધવાર
ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ખાખી એટલે કે પોલીસ માટે સમાજમાં છાપ સારી નથી પોલીસ અધિકારી ગમે તેટલો પ્યોર (પ્રામાણિક) હોય તો પણ લોકો તેના પર વિશ્વાસ મૂકી શકતા નથી.
સર્વ સામાન્ય છાપ એવી છે કે કોઈપણ પોલીસ કર્મચારી કે અધિકારી નિયમિત રીતે હપ્તા અને લાંચ લેતો હોય છે. રીક્ષા ચલાવવાવાળા કે રોડ પર ફરીને પોતાનું પેટીયું રળનારા લારીવાળાને પણ આ પોલીસ છોડતી નથી. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આવી જ એક ઘટના બની હતી.
અહીંની એક નામાંકિત હોટલમાં પોલીસ અધિકારી જમવા ગયા હતા ત્યારબાદ ખાખીનો રુઆબ બતાવીને ચાલતી પકડી હતી. આથી હોટલના માલિક એવા સપનાબેન શાહને આ વાત પસંદ આવી ન હતી. તેઓ આ પોલીસ અધિકારીને સ્પષ્ટ સંભળાવી દીધું કે આ જૂનાગઢ પોલીસની પ્રોપર્ટી નથી જમવા આવું હોય તો પ્રેમથી રૂપિયા ચૂકવીને જ જમવા માટે આવવું તમારે અહીં મફતમાં જમવા આવવાનું નથી અહી અમે તમારા માટે નવરા નથી બેઠા.
બીજી બાજુ આ પોલીસ અધિકારીએ આડકતરી રીતે એવું કહ્યું કે અમારે કંઈ બિલ આપવાનું ન હોય આવું કહીને પોલીસ અધિકારીએ ચાલતી પકડી હતી પરંતુ આ મહિલાએ નીડરતાપૂર્વક એવું કહ્યું કે બીલ ચૂકવીને જજો ત્યાર બાદ હોટલના અન્ય સ્ટાફને બૂમ મારીને કહ્યું કે આ ભાઈનું બિલ લઇ લેજો.
દરમિયાન આ હોટલમાં જમવા આવેલા અન્ય ગ્રાહકો પણ આ તમાશો જોઈ રહ્યા હતા. આખરે પોલીસ અધિકારીને આ મહિલાની સામે નમતું જોખવાની ફરજ પડી હતી અને તેઓએ જમવાનું બિલ ચૂકવી દીધું હતું. લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો એકબીજાને મોકલાવી રહ્યા છે.