પુરતી સુવિધા આપ્યા વિના હાઈ-વે ઓથોરિટી દ્વારા ટોલટેક્ષના ઉઘરાણાં
- જેતપુર-સોમનાથ હાઈવે પર દંડાતા વાહનચાલકો
- જૂનાગઢ બાયપાસનું કામ થયું નથી, વડાલ સુધીના હાઈવે પર ગાબડા :સોમનાથ સુધીમાં અનેક ડાયવર્ઝન છતાં ગાદોઈ ટોલનાકા પર ચાર વર્ષથી ટોલટેક્સના થઈ રહેલા ઉઘરાણાં ગેરકાયદેસર
જૂનાગઢ, તા.20 જાન્યુઆરી 2020, સોમવાર
જેતપુર-સોમનાથ ફોર ટ્રેક હાઈવે પર વાહન ચાલકોને પુરતી સુવિધા ઉપલબ્ધ થઈ નથી. જૂનાગઢ બાયપાસ થયો નથી. વડાલ સુધીના હાઈવે પર અનેક ગાબડા છે. સોમનાથ સુધીમાં અનેક ડાયવર્ઝન છે છતાં હાઈવે ઓથોરિટી દ્વારા ગાદોઈ ટોલનાકા પર ગેરકાયદેસર રીતે ટોલટેક્સના ઉઘરાણા થઈ રહ્યા છે તે રદ કરવામાં આવે એવી માંગ સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.
સોમનાથ-જેતપુર ફોર ટ્રેક હાઈવે પ્રોજેક્ટમાં હજુ જૂનાગઢ બાયપાસનું કામ થયું નથી. જૂનાગઢથી વડાલ તરફ ટુ ટ્રેક રોડ જ છે. તેમાં પણ મોટા-મોટા ખાડા છે. જેના લીધે અવાર-નવાર અકસ્માત થાય છે. વાહનોમાં નુકસાન થાય છે. આ ઉપરાંત સોમનાથ સુધીમાં જૂના પુલનું કામ બાકી છે. જેથી દરેક મોટી નદી પરના પુલ પર ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે.
હાઈવે પર વાહનચાલકોને પુરતી સુવિધા ઉપલબ્ધ થઈ નથી છતાં હાઈવે ઓથોરિટી દ્વારા ડારી તથા ગાદોઈ નજીક છેલ્લા ચાર વર્ષથી ટોલટેક્ષના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે જે ગેરકાયદેસર છે.
આ અંગે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી જૂનાગઢથી સોમનાથ સુધીના તમામ જૂના પુલનું કામ તથા જૂનાગઢ બાયપાસનું કામ ન થાય ત્યાં સુધી ગાદોઈ ટોલનાકુ બંધ કરવામાં આવે એવી માંગણી કરી છે. વાહન ચાલક નવા વાહનની ખરીદી કરે છે ત્યારે રોડ ટેક્સ ભરપાઈ કરે છે. પેટ્રોલ-ડિઝલમાં રોડ સેસ વસુલ કરવામાં આવે છે. પ્રજાએ ચુકવેલા વેરામાંથી જ ફોર ટ્રેક રોડ બને છે તેમ છતાં પ્રજાએ જ તે રોડ પરથી પસાર થવામાં શા માટે ટોલટેક્સ ચુકવવાનો? એવો સવાલ ઉઠી રહ્યો છે અને સરકાર તથા હાઈવે ઓથોરિટીની આ નીતિ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.