બંધ મકાનના તાળા તોડીને 5.48 લાખના મુદામાલની ચોરી
- જૂનાગઢના વિશ્વકર્મા સોસાયટી પાછળ
- તસ્કરોની વધતી જતી રંજાડથી લોકોમાં ભય, ચડ્ડી - બનીયાન ગેંગનો હાથ હોવાની શંકા
જૂનાગઢ,તા. 23 ઓગસ્ટ 2019, શુક્રવાર
જૂનાગઢના વંથલી રોડ પર વિશ્વકર્મા સોસાયટી પાછળ આવેલા એક બંધ મકાનના તાળા તોડી તસ્કરો રોકડ તથા દાગીના મળી કુલ ૫.૪૮ લાખનો મુદામાલ ચોરી ગયા હતાં. આ અંગે ફરિયાદ થતા સી.ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરોની વધતી રંજાડથી લોકોમાં ભય ફેલાયો છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના વંથલી રોડ પર વિશ્વકર્મા સોસાયટી પાછળ આવેલી પુષ્પક રેસીડન્સીમાં રહેતા કિશોરભાઈ વેણીભાઈ ઠાકર તથા તેના પરિવાર જનો ઘરને તાળા મારી બહાર ગામ ગયા બાદ તસ્કરોએ ગત રાત્રીનાં આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ ંઅને મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી ઘરમાં ઘુસી કબાટનો લોક તોડી તેમાં રાખેલા લકી, ચેન સહિતનાં સોના-ચાંદીના દાગીના તેમજ ચાર લાખ રૂપીયા રોકડા મળી કુલ ૫.૪૮ લાખનો મુદામાલ ચોરી ગયા હતાં. આજે પરિવાર પરત આવતા ઘરના તાળા તથા કબાટ તૂટેલો હતો અને તેમાં રાખેલા દાગીના તેમજ રોકડ રકમ ગુમ હતી. આ અંગે કિશોરભાઈ ઠાકરે ફરિયાદ કરતા સી.ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ આસપાસ તસ્કરોની રંજાડ વધી છે. આ ચોરીમાં પણ ચડ્ડી બનીયાનધારી ટોળકીનો હાથ હોવાની સંકા છે. રોજ બ રજો થતી ચોરીથી ભય ફેલાયો છે. ત્યારે લોકો ઘર બંધ કરી બહારગામ જાય ત્યારે ઘરમાં દાગીના કે રોકડ રકમ ન રાખે એ જરૂરી બન્યું છે.