જુનાગઢ નજીકથી 20.94 લાખના દારૂ ભરેલા ટેન્કર સાથે ત્રણ ઝડપાયા
- સ્થાનિક પોલીસની જાણ બહાર સ્ટેટ વિજીલન્સનો દરોડો
- સિમેન્ટ મિક્સરના ટેન્કરમાં છુપાવ્યો હતો 5982 બોટલ દારૂ, કુલ 31.12 લાખનો મુદામાલ કબ્જે
જૂનાગઢ, તા. 12 જાન્યુઆરી 2020, રવિવાર
સ્ટેટ વિજીલન્સની ટીમે બાતમીના આધારે સ્થાનિક પોલીસની જાણ બહાર દરોડો પાડી જુનાગઢ તાલુકાના વિજાપુરમાં ૨૦.૯૪ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લઈ ત્રણ શખ્સની અટકાયત કરી હતી. સિમેન્ટ મિક્સરના ટેન્કરમાં ૫૯૮૨ બોટલ દારૂ છુપાવવામાં આવ્યો હતો. સ્ટેટ વિજીલન્સના સ્ટાફે કુલ ૩૧.૧૨ લાખન મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ તરફ એક ટેન્કરમાં વિદેશી દારૂ લઈ જવામાં આવતો હોવાની સ્ટેટ વિજીલન્સ ટીમને બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ વિજીલન્સના પીએસઆઈ આર.એ. જાડેજા સહિતના સ્ટાફે સ્થાનિક પોલીસની જાણ બહાર જુનાગઢ નજીક વોચ ગોઠવી હતી. અને જૂનાગઢ તાલુકાના વિજાપુરમાંથી જીજે ૧૨ એટી ૫૮૯૯નંબરના સિમેન્ટ મિક્સરના ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી ૨૦૯૪૬૦૦ રૂપિયાની કિંમતનો ૫૯૮૨ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
સ્ટેટ વિજીલન્સના સ્ટાફા દારૂ ભરેલા ટેન્કર સાથે રાજસ્થાનની જાલોર જિલ્લાના સરનાઉ ગામના માંગીલાલ તેજારામ બિશ્નોઈ (ઉ.વ.૨૬) તથા બારમેર જિલ્લાના સોમારડી ગામના અશોક બલવંતા રામ પવાર (ઉ.વ.૨૫) તથા જૂનાગઢના રાજીવનગરના નિંમેષ રાજુ કોળી (ઉ.વ.૧૮)ને ઝડપી લઈ દારૂ તથા ટેન્કર, ચાર મોબાઈલ ફોન તથા ૪૩૦૦ રૂપિયા રોકડા મળી કુલ ૩૧૧૨૪૦૦ન મુદામાલ કબ્જે કર્યો હતો. આ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના એેસઆઈ ચેતનકુમાર હિતેષકુમાર બારૈયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ દારૂનો જથ્થો ઝાલોર જિલ્લાના કાલુ રામ ગોકલારામ બિશ્નોઈએ મોકલ્યો હતો. હરિયાણાના રોહતક પાસે આવેલી હોટલ પર કાળુરામનો માણસ દારૂ ભરેલુ ટેન્કર આપી ગયો હત. આ ઉપરાંત આ દારૂમાં જુનાગઢના ભરત કાઠીનું નામ પણ ખુલ્યું છે.