Get The App

સાસણ આસપાસના તબેલાના નામે ફાર્મ હાઉસમાં વીજજોડાણ આપવાનું કૌભાંડ

- કૌભાંડ સામે આવતા એડીશનલ ચીફ ઈજનેરે વેરાવળના કાર્યપાલક ઈજનેરને સોંપી તપાસ

-- જંગલના વૃક્ષો પર વીજતાર બાંધી વન્ય પ્રાણીઓ પર ઊભુ કર્યું જોખમ

Updated: May 27th, 2020

GS TEAM

Google News
Google News
સાસણ આસપાસના તબેલાના નામે ફાર્મ હાઉસમાં વીજજોડાણ આપવાનું કૌભાંડ 1 - image


વીજતંત્ર ઉપરાંત વનતંત્રના સ્ટાફની પણ સંડોવણીની આશંકા

જૂનાગઢ, તા. ૨૭ મે, ૨૦૨૦, બુધવાર

સાસણ આસપાસના જંગલ વિસ્તારમાં વૃક્ષ પર વીજતાર બાંધી તબેલાના નામ પર ફાર્મ હાઉસમાં વીજ જોડાણ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. આરક્ષીત જંગલમાં વન્ય પ્રાણીઓ છે તેમ છતાં સાગ સહિતનાં વૃક્ષો પર વીજતાર બાંધવામાં આવ્યા છે. જેનાથી વન્ય પ્રાણીઓ પર જોખમ ઊભું થયું છે. આ મામલે વીજતંત્ર ઉપરાંત વનતંત્રના સ્ટાફની પણ સંડોવણી હોવાની આશંકા છે. આ મામલે એડીશનલ ચીફ ઈજનેરે વેરાવળના કાર્યપાલક ઈજનેરને તપાસ સોંપી છે. 

આ અંગેની વધુ વિગત મુજબ સાસણ આસપાસના વિસ્તારના ફાર્મ હાઉસમાં કોમર્શીયલ વીજજોડાણ આપવા પર મનાઈ છે. જ્યારે ખેતીવાડીમાં આઠ કલાક વીજ પુરવઠો મળે છે. ૨૪ કલાક થ્રી ફેઈઝ વીજજોડાણ માટે તબેલાના દસ્તાવેજો ઊભા કરી વીજતંત્રના અધિકારીઓ અને સ્ટાફ સાથે મસમોટી રકમનું સેટીંગ કરી તબેલાના નામે ફાર્મ હાઉસમાં વીજ જોડાણ મેળવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ વીજ જોડાણ આપવા માટે નીતિ નિયમો પણ નેવે મુકી દેવામાં આવ્યા છે.

સાસણથી તાલાલા રોડ પર વનતંત્રની ચેકપોસ્ટ પાછળના આરક્ષીત જંગલના સાગ સહિતના વૃક્ષ પર ''વી'' બાંધી વીજતાર પસાર કરવામાં આવ્યા છે. આરક્ષીત જંગલમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓના વસવાટ છે. આ વૃક્ષો પર વીજતાર બાંધવામાં આવ્યા હોવાથી વન્ય પ્રાણીઓ પર તથા આરક્ષીત જંગલ પર પણ જોખમ સર્જાયું છે.

સ્થાનિક લોકોએ અનેકવાર ફરિયાદો કરી માહિતી પણ માગી છે. પરંતુ વીજતંત્ર દ્વારા કોઈ જવાબ પણ આપવામાં આવ્યો નથી.

વનતંત્ર કોઈ ખેડૂત પોતાના ખેતરમાં વીજશોક મુક્યો હોય તો ગુનો દાખલ કરે છે. પરંતુ આરક્ષીત જંગલના વૃક્ષો પર વીજતાર બાંધી દેવાયા છે છતાં વનતંત્ર મૌન છે. આ બાબતથી વન્ય સ્ટાફની પણ સંડોવણીની આશંકા છે.

આ અંગે એડીશનલ ચીફ ઈજનેરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વૃક્ષ પરના વીજતાર બાંધ્યા હોવાના ફોટા આવ્યા છે. તેના આધારે વેરાવળના એક્ઝીક્યુટીવ ઈજનેરને તપાસ સોંપી છે. વીજતાર સપોર્ટ માટે વૃક્ષ પર બાંધ્યા હોઈ શકે છે. બાકી તબેલાના નામે ફાર્મ હાઉસમાં વીજ જોડાણ અપાયા હોય તેમ નથી, છતાં તપાસ બાદ વધુ કઈ કહી શકીશું. 

Tags :