માંગરોળ બંદર નજીકના 12 જેટલા મકાનોમાં ઘુસી ગયું દરિયાનું પાણી
- સંરક્ષણ દિવાલને ઓળંગી
- વાવાઝોડુ ફંટાયુ પરંતુ દિવસભર દરિયામાં રહેલા કરંટથી ફુકાયો ભારે પવન
જૂનાગઢ, તા. 13 જૂન 2019, ગુરુવાર
વાયુ વાવાઝોડુ દરિયામાં ફંટાયું છતાં માંગરોળના દરિયામાં દિવસભર કરંટ રહ્યો હતો. તેના લીધે ભારે પવન ફુંકાયો હતો. અને સંરક્ષણ દિવાલને ઓળંગી બંદર વિસ્તારમાં બાર જેટલા મકાનોમાં દરિયાનું પાણી ઘુસી ગયું હતું. વાવઝોડુના પગલે તંત્ર એલર્ટ એલર્ટ છે આ વાયુ વાવાઝોડુ ફંટાયું હતું. છતાં દિવસભર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.
આજે માંગરોળમાં સવારથી ધીમીધારે વરસાદ સાથે પવન ફુંકાયો હતો. દરિયો તોફાની હોવાથી દરિયાનું પાણી સંરક્ષણ દિવાલને ઓળંગી શેરીયાઝ બારા, બંદર વિસ્તાર, જુની ગોદી વિસ્તારના બાર જેટલા રહેણાંક મકાનોમાં ઘુસી ગયું હતું.
અગાઉથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાથી કોઈ જાનમાલને નુકસાન થયું નથી. પરંતુ ઘરમાં રહેલી ઘરવખરી પલળી ગઈ હતી. જ્યારે માંગરોળમાં પવનના લીધે લોકોએ ભારે ચિંતા વચ્ચે દિવસ વિતાવ્યો હતો. પરંતુ વાવાઝોડુ ફંટાઈ જવાના સમાચારથી રાહતનો શ્વાસ લીધો હતો.