સૌથી વધુ માળીયામાં 27 ઇંચ અને ઓછો જૂનાગઢમાં 15 ઇંચ વરસાદ
- જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝન દરમ્યાન
- 15 જૂનથી સત્તાવાર રીતે ચોમાસુ શરૂ તેને એક માસ થયો નથી ત્યાં જિલ્લામાં સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ થઇ ગયો
જૂનાગઢ, તા. 8 જુલાઈ, 2020, બુધવાર
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીની ચોમાસાની સિઝન દરમ્યાન સૌથી વધુ માળીયાહાટીનામાં ૨૭ ઇંચ વરસાદ થયો છે. જ્યારે સૌથી ઓછો જૂનાગઢમાં માત્ર ૧૫ ઇંચ વરસાદ થયો છે. ૧૫ જૂનથી સતાવાર રીતે ચોમાસુ શરૂ થયું હતું. તેને એક માસ થયો નથી. ત્યાં જિલ્લાનો સરેરાશ વરસાદ ૫૫ ટકાથી વધુ થઇ ગયો છે.
જૂનાગઢ જિલ્લામાં જૂન માસના પ્રારંભમાં વરસાદ શરૂ થઇ ગયો હતો અને અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવેતર પણ કરી દીધું હતું. જ્યારે સત્તાવાર રીતે ચોમાસુ ૧૫ જૂનથી શરૂ થયું હતું. આ ચોમાસાની સિઝન દરમ્યાન અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ માળીયાહાટીનામાં ૨૭ ઇંચ વરસાદ થઇ ગયો છે. જે તેના સિઝનના સરેરાશ વરસાદના ૬૮ ટકા જેટલો છે.
જ્યારે સૌથી ઓછો વરસાદ જૂનાગઢ શહેર અને તાલુકામાં છે. અત્યાર સુધીમાં જૂનાગઢમાં માત્ર ૧૫.૩૨ ઇંચ વરસાદ જ થયો છે. જે તેના સરેરાશ વરસાદના ૪૦ ટકા જેટલો છે.
માળીયાહાટીના બાદ માણાવદર પંથકમાં ૨૬ ઇંચ વરસાદ થઇ ગયો છે. જે તેના સરેરાશ વરસાદના ૮૧ ટકા જેટલો છે.
જૂનાગઢ જિલ્લામાં કેશોદ, માણાવદર, માળીયા, ભેંસાણ અને માળીયાહાટીના તાલુકામાં સરેરાશ ૬૫ ટકાથી વધુ વરસાદ થઇ ગયો છે. જ્યારે જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ, વંથલી પંથકમાં ૪૦ ટકા અને તેથી વધુ વરસાદ થયો છે.
સત્તાવાર રીતે ૧૫ જૂનથી ચોમાસુ શરૂ થયું હતું. પરંતુ વરસાદ તે પૂર્વે શરૂ થઇ ગયો હતો. આમ વરસાદ શરૂ થયો તેને એક માસ જેટલો સમય થયો ત્યાં જિલ્લાનો સરેરાશ વરસાદ ૫૫ ટકાથી વધુ થઇ ગયો છે.