ફોલ્ટ રિપેર ન થયો હોય તો પણ ફરિયાદ ક્લોઝ કરી દેવાતી
- જૂનાગઢ મનપાની સ્ટ્રીટલાઈટ શાખામાં ચાલતુ લોલમલોલ
- સ્ટ્રીટલાઈટ જેવા સામાન્ય કામ માટે પણ મનપાએ આપ્યો કોન્ટ્રાકટ વેરા વસુલવામાં માહેર મનપાની સુવિધા આપવામાં ઢીલી નીતિ
જૂનાગઢ, તા. 22 જુલાઈ, 2020, બુધવાર
જૂનાગઢ મનપાની સ્ટીટલાઈટ શાખામાં ફોલ્ટ રિપેર ન થયો હોય તો પણ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે. સ્ટ્રીટલાઈટ જેવા સામાન્ય કામ માટે પણ મનપાએ કોન્ટ્રાકટ આપ્યો છે. છતાં પણ સ્ટ્રીટ લાઈટની કામગીરીમાં લોલમલોલ ચાલી રહી હોવાનો આક્ષેપ ઉડયો છે.
જૂનાગઢ મહાનગર પાલીકાની સ્ટ્રીટ લાઈટ શાખામાં જાહેર સ્ટ્રીટલાઈટની ફરિયાદ ઓનલાઈન ૩૧૧ નંબર નોંધવામાં આવે છે. પરંતુ ફોલ્ટ રિપેર ન થયો હોય તો પણ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે. સ્ટ્રીટ લાઈટ જેવી સામાન્ય કામગીરી માટે પણ મનપા દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તેમ છતાં ફોલ્ટ રિપેર થતા નથી. કોન્ટ્રાકટ કંપનીની બેદરકારી હોવા છતાં મનપા દ્વારા કોઈ પગલા લેવાતા નથી. વેરા વસુલવામાં માહેર મનપા પ્રજાને સામાન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ઢીલી નીતિ દાખવી રહી છે.
આ અંગે વોર્ડ નં.૪ના કોંગ્રેસના મહિલા નગરસેવક જણાવ્યું હતું કે આ બાબતે, કમિશનર, મેયરને પણ જાણ કરી છે. છથાં કોઈ નિરાકરણ થયું નથી. જૂનાગઢ મનપાની સ્ટ્રીટ લાઈટ શાખામાં લોલમ લોલ ચાલી રહ્યું છે. અને અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવાતા નથી. આવી સ્થિતી મનપા પ્રજાના કામ ન કરી શકતી હોય તો તમામ વેરા માફ કરવામાં આવે અને કોન્ટ્રાકટ કંપની પાસેથી વેરાની વસુલાત કરવી જોઈએ.