બામણાસા નજીક સાબલી નદી પરનો પુલ થયો ધરાશાયી
- બે વર્ષથી રજૂઆતો કરવા છતાં ન થયો રિપેર
- કેશોદથી બામણાસા-પાડોદર ગામનો રસ્તો બંધ થઈ જતાં હાલાકી
બે વર્ષ પહેલાં રોડ બન્યો પણ પુલ ન બનાવ્યો
કેશોદ પંથકમાં ગત રાત્રી દરમ્યાન ભારે વરસાદ પડયો હતો અને નદીઓ ગાંડીતૂર બની હતી. સાબલી નદીમાં પૂર આવ્યું હતું. તેના લીધે બામણાસા નજીક સાબલી નદી પર આવેલો જર્જરીત પુલ ધરાશાયી થઈ ગયો હતો. તેના લીધે બામણાસા-પાડોદર સહિતના ગામનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી લોકોેને હાલાકી ભોગવવી પડી રહી છે.
કેશોદ તાલુકામાં ગતરાત્રી દરમ્યાન ભારે વરસાદ થયો હતો. રાત્રીના સાબલી ડેમ સાઈટ પર નવ ઈંચ વરસાદ થયો હતો. જેના કારણે સાબલી નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરના ધસમસતા પાણીના લીદે બામણાસા ગામ નજીક સાબલી નદી પર આવેલો જર્જરીત પૂલ ધરાશાયી થયો હતો અને પતાના મહેલની માફક તેના બે કટકા થઈ ગયા હતા. નદીમાં પૂર અને પુલ તૂટી જતાં કેશોદથી બામણાસા પાડોદર સહિતના ગામનો રસ્તો બંધ થઈ ગયો હતો. સદનસીબે વરસાદ અને સવારનો સમય હોવાથી કોઈને ઈજા કે નુકાસાન થયું ન હું. બામણાસા ગામના અનેક લોકો સીમ વિસ્તારમાં રહે છે અને રોજ ગામમાં જવા આ પુલનો ઉપયોગ કરતા હતા. પંરતુ તે આ પુલ ધરાશાયી થતાં તેઓની કફોડી હાલત ઊભી થઈ છે.
બે અઢી દાયકા પૂર્વે સાબલી નદી પર બનેલો આ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હતો. ગ્રામજનો દ્વારા બે વર્ષથી પુલને રિપેર કરવા અથવા નવો બનાવવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. દોઢ બે વર્ષ પહેલાં રસ્તો બન્યો પણ આ જર્જરીત પુલ બન્યો ન હતો અને આખરે આજે પુરના પાણીના લીધે ધરાશાયી થઈ ગયો હતો.
અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપતાં હાલ ગ્રામ્ય વિસ્તારના લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈને ભારે રોષ ફેલાયો છે.