વેરાવળ,જુનાગઢ, તા.31 માર્ચ 2020, મંગળવાર
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં વેરાવળથી રિફર થઇ આવેલા યુવાન તથા જૂનાગઢના એક યુવાનના ગઇકાલે સોમવારે સેમ્પલ લઇ ભાવનગર મોકલાયા હતા. જયાંથી આજે બંનેના રિપોર્ટ આવ્યા છે. જેમાં વેરાવળના યુવાનને સ્વાઇન ફલુ હોવાનું આવ્યું છે. જયારે જૂનાગઢના યુવાનનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા વેરાવળથી એક યુવાનને રિફર કરાયો હતો. તેને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા તેના સેમ્પલ લેવાયા હતા. જયારે દુબઇથી પરત આવેલા જૂનાગઢના એક યુવાનને પણ શંકાસ્પદ લક્ષણ જણાતા ગઇકાલે તેના પણ સેમ્પલ લઇ ભાવનગરની માઇક્રોબાયોલોજી લેબમાં મોકલવામાં આવ્યા હતા.
આજે આ બંનેનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં વેરાવળના યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જયારે સ્વાઇન ફલુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
જયારે જૂનાગઢના યુવાનના સેમ્પલનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
આમ જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ બે વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્ર તથા આ બંને વ્યક્તિના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
અત્યાર સુધીમાં જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ કુલ ૧૧ દર્દીના સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા હતા. અને તે તમામનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.


