સિંહના નખનું રાજસ્થાનથી પાર્સલ મગાવનાર ભંડુરીના યુવાનની અટક
- ફેસબુકના માધ્યમથી કર્યો હતો સોદો
- પાર્સલમાં સિંહના નખ અસલી છે કે નકલી ? કેટલાં રૂપિયામાં અને કોની પાસેથી મંગાવ્યા હતાં? એ સહિતની બાબતો અંગે વનતંત્ર દ્વારા પૂછપરછ
જૂનાગઢ,04 ડીસેમ્બર 2019 બુધવાર
માળીયા હાટીના તાલુકાના ભંડુરીમાંથી આજે વનવિભાગે રાજસ્થાનથી સિંહના નખનું પાર્સલ મંગાવનાર એક યુવાનની પાર્સલ સાથે અટક કરી છે. આ પાર્સલમાં સિંહના અસલી નખ છે કે નકલી? કેટલા રૂપિયામાં અને કોની પાસેથી મંગાવ્યા હતાં? એ સહિતની બાબતો અંગે વન વિભાગે વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં રહેતા પિયુષ રતિલાલ જોષી (ઉ.વ.૨૧) નામના યુવાને રાજસ્થાનના ઝુનઝુનથી મંગાવેલા પાર્સલમાં સિંહના નખ હોવાની માહિતી મળી હતી. આજે આ પાર્સલ ભંડુરી પહોંચ્યું હતું. અને વંનતંત્રનાં સ્ટાફે વોચ ગોઠવી હતી.
આ દરમ્યાન પિયુષ જોષીએ રાજસ્થાનથી આવેલું પાર્સલ સ્વીકારતા જ વનવિભાગે તેને પાર્સલ સાથે પકડી લીધો હતો. અને તેની પૂછપરછ કરતા તેણે ફેસબુકના માધ્યમથી રાજસ્થાનના ઝુનઝુન શહેર ખાતેથી પાર્સલ મંગાવ્યાનું કબુલ્યું હતું.આ પાર્સલમાં આવેલા નખ અસલી છે કે નકલી? તે પણ એક પ્રશ્ન છે.
આ અંગે મુખ્યવન સંરક્ષક ડી.ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક પૂછપરછમાં આ યુવાને ફેસબુકનાં માધ્યમથી સોદો કર્યાનું કહે છે. આ નખ અસલી છે કે નકલી? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યુવાને કોની પાસેથી કેટલા રૂપીયામાં આ નખનું પાર્સલ મંગાવ્યું હતું. તેની પૂછપરછ કરવામાં આવશે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.