પુત્રએ દુષ્કર્મ આચર્યું, પિતાએ ધર્મ પરિવર્તન કરાવ્યું! જૂનાગઢમાં પીડિતાના ઘરમાંથી બુરખો અને કલમા પુસ્તક મળ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh News : જૂનાગઢમાં થોડા દિવસો પહેલા યુવતી પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવકના દરગાહના મુંજાવર પિતાએ ધમકી આપી હતી. આ મામલે ફરિયાદ બાદ પોલીસે યુવતીનું નિવેદન લેતા તેણીનું મુંજાવરે ધર્મપરિવર્તન કરાવ્યાનો ઘટસ્ફોટ થયો છે, જેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવતીને ઉનાવા, ઉના, અજમેર સહિતની દરગાહમાં લઈ જઈ સલામી કરાવ્યાના ફોટો તથા વીડિયો કબ્જે કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં પોલીસ દ્વારા ધર્મ સ્વતંત્ર અધિનિયમ-2003ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે જેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે.
પુત્રએ દુષ્કર્મ આચર્યા બાદ મુંજાવર પિતાએ પીડિતાનું ધર્મ પરિવર્તન કરાવ્યું!
જૂનાગઢમાં એકલી રહેતી યુવતીને બીમારીઓ થતી હોવાથી તેણી સંઘાડીયા બજારમાં મોનીસા પીરની દરગાહમાં જતી હતી, જ્યાં મુંજાવરના પુત્રએ યુવતીને ફસાવી લગ્ન કરવા કહ્યું હતું. યુવતીએ ના પાડતા યુવકે માર મારી છરી વડે હુમલો કરી દુષ્કર્મ આચર્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફોટા તથા વીડિયો ઉતારી લઈ સગા-સંબંધીઓની આપી દેવા ધમકી દઈ અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ યુવકના પિતા અને દરગાહના મુંજાવરને વાત કરતા તેણે પણ યુવતીને ધમકી આપી હતી. આ મામલે થોડા દિવસ પહેલા યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભોગ બનનાર યુવતીનું નિવેદન લેવામાં આવતા તેણીએ દરગાહના મુંજાવર અને તેના પુત્રએ ધર્મ પરિવર્તન કરાવ્યાનો ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નિવેદનમાં યુવતીએ જણાવ્યું હતું કે, પિતા-પુત્રએ યુવતીને ઉનાવા, ઉના, જાંબુર અને અજમેરની દરગાહમાં લઈ જઈ સલામી કરાવી હતી અને તેના ફોટા તથા વીડિયો પણ લીધા હતા. પોલીસે તે કબજે કર્યા છે.
તપાસ માટે ડીવાયએસપીનાં અધ્યક્ષ સ્થાને 'સીટ'ની રચના
આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, યુવતીના ધર્મ પરિવર્તન કરાવવા મામલે દરગાહના મુંજાવર અને તેના પુત્ર સામે ગુજરાત ધર્મસ્વતંત્ર અધિનિયમ 2003ની કલમોનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે, તેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આ મામલે ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ગુનાના મૂળ સુધી પહોંચવા પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે. આ પ્રકરણમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ? અને અન્ય કોઈ યુવતી આવા ધર્મપરિવર્તનનો ભોગ બની છે કે કેમ? તે અંગેની તપાસ પણ કરવામાં આવશે.
પીડિતાનાં ઘરેથી કલમાની બૂક, બુરખો વગેરે કબ્જે
ઉલ્લેખનીય છે કે, યુવતી બીમાર રહેતી હોવાથી મોનીસા પીરની દરગાહે જતી હતી. આ સંજોગોનો લાભ લઈ દરગાહના મુંજાવરે યુવતીને 'તું મારી દીકરી જ છે, ઈસ્લામ કબુલ કરી લે એટલે બીમારી કે દુઃખ નહીં આવે' તેવું કહી ઈસ્લામ ધર્મના નિયમો બતાવી લાલચ અને પ્રલોભન આપી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. યુવતીના ઘરેથી ઈશ્લામ ધર્મના લીલા કલરના ઘોડા, દરગાહના ફોટા, ઈસ્લામ ધર્મનું પાલન કરવા માટે આપેલી નમાજ પઢવા માટે કલમાની બુક, બરખો તથા નમાજ પઢવા માટેનું આસન પોલીસે કબ્જે કર્યું છે. કોડીનાર પંથકની તરૂણીઓનું પણ ઉનાવાની દરગાહમાં લઈ જઈ ધર્મપરિવર્તન કર્યાની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને આરોપીઓને પકડવામાં આવ્યા છે. જૂનાગઢની દરગાહના મુંજાવર અને તેના પુત્રએ પણ યુવતીનું ધર્મપરિવર્તન કરાવી ઉનાવાની દરગાહમાં લઈ જઈ સલામી કરાવી હતી ત્યારે વધુ એકવાર ઉનાવાની દરગાહનું ધર્મપરિવર્તન કેસમાં નામ સામે આવતા આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે.




