રસ્તા રિપેર માટે છ કરોડ બાદ હવે માર્ગો સુધારણા માટે 5 કરોડ ફાળવાયા
- જૂનાગઢ મનપાનીસ્થાયી સમિતિની બેઠકમાં
- 12 કરોડની ગ્રાન્ટ પડી હોવા છતાં કોઈ કામ ન થયુ અને નરસિંહ સરોવરના વિકાસ માટે વધુ પાંચ કરોડની ફાળવણીથી આશ્ચર્ય
જૂનાગઢ, તા. 18 નવેમ્બર 2019,સોમવાર
જૂનાગઢ મનપા વિસ્તારના બિસ્માર રસ્તાના રિપેરીંગ માટે છ કરોડ અગાઉ ફાળવાયા હતાં. તેમાંથી ઢંગધડા વગર થીંગડા મારવામાં આવ્યા છે. હવે માર્ગોની સુધારણા માટે પાંચ કરોડ ફાળવાયા છે. આ ઉપરાંત ૧૨ કરોડની ગ્રાન્ટ પડી હોા છતાં કંઈ કામ થયું નથી. અને નરસિંહ મહેતા સરોવરના વિકાસ માટે વધુ પાંચ કરોડ ફાળવાયા છે. આ બાબતથી આશ્ચર્ય સર્જાયું છે.
જૂનાગઢ મહાપાલીકાની સ્થાય સમિતીની આજે બેઠક યોજાઈ હતી. જેમાં વોર્ડ વાઈઝ પ્રાથમિક સુવિધા માટે વિકાસ કામ, અનુ.જાતિ વિસ્તારો તથા પછાતવર્ગના વિસ્તારોની વિવિધ ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી. ચોમાસામાં તૂટી ગયેલા રસ્તાઓને રિપેર કરવા છ કરોડ રૂપીયા ફાળવવામાં આવ્યા હતાં. તેમાંથી ઢંગધડા વગર થીંગડા મારવામાં આવી રહ્યાં છે. થીંગડા માર્યા છે તેની નજીક ખાડા છે તેને પુરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. અને પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે.
આજે મળેલી બેઠકમાં માર્ગોની સુધારણા માટે પાંચ કરોડ ફાળવાયા હતાં. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેને જણાવ્યું હતુ ંકે, ગટર યોજના બાદ મર્ગોની સુધારણા માટે આ રકમ ફાળવાઈ છે. નરસિંહ મહેતા સરોવરના બ્યુટી ફિકેશનની લાંબા સમયથી વાતો થાય છે તેની ૧૨ કરોડ જેટલી ગ્રાન્ટ પડી છે. છતાં કોઈ કામ થયું નથી.
તેમ છતાં આજે નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામ માટે પાંચ કરોડ, વિલીંગ્ડન ડેમના વિકાસ માટે બે કરોડ, ડમ્પીંગ સ્ટેશન તૈયાર કરવા ૧.૫૦ કરોડ, ફાયર સ્ટેશન બનાવવા ૧ કરોડ, શહેરનાં સંપૂર્ણ વિસ્તારમાં પાણી વિતરણ માટે બે કરોડ ફાળવાયા હતાં. મનપામાં આર્થિક રીતે નબળા વર્ગ માટે સીધી ભરતીમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ રાખવા અંગેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
શહેરના સર્કલ પર નવીશોભા કરવા ૮૫ લાખની ફાળવણી કરાઈ છે. આ બાબતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે.