સાહેબ ઉંઘ આવતી નથી, શરીરમાં ધ્રુજારી આવે છે, માથુ ચડી જાય છે
- જૂનાગઢ જિલ્લામાં પાન - માવા, બીડી તમાકુના બંધાણીઓની તબીબોને ફરિયાદ
- હાલ 30થી 40 ટકા વ્યશનપ્રિય લોકો લોકો માવા, બીડી, તમાકુની તલાશ-માટે ઘર બહાર નીકળી કરે છે લોકડાઉનનો ભંગ
જૂનાગઢ,તા.21 એપ્રિલ 2020, મંગળવાર
જૂનાગઢ સહિત જિલ્લામાં લોકડાઉનના લીધે પાન, માવા, બીડી તમાકુ ન મળતા બંધાણીઓના શરીર પર વિપરીત અસર થવા લાગી છે. અને તેઓ ડોકટર પાસે જઈ સાહેબ ઉંઘ નથી આવતી, શરીરમાં ધ્રુજારી આવે છે, માથુ ચડી જાય છે તેવી ફરિયાદો કરે છે. હાલ જે લોકડાઉનનો ભંગ થઈ રહ્યો છે તેમાંતી ૩૦થી ૪૦ ટકા લોકો માવા, બીડી અને તમાકુની તલાશ માટે ઘર બહાર નીકળે છે. અને અમુક પોલીસની ઝપટમાં આવી જાય છે.
કોરોના વાઈરસ સંક્રમણને રોકવા જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન છે. તેને એક મહિનો થવા આવ્યો છે. ત્યારથી ચા પાનના ગલ્લા બંધ છે. આથી પાન, માવા, તમાકુ, બીડી, સિગરેટના બંધાણીઓના શરીર પર લોકડાઉનની વિપરીત અસર થઈ છે. વર્,ોતી વ્યસન ધરાવતા બંધાણીઓને બીડી, તમાકુ, માવા મળતા ન હોવાથી અમુક તો તબીબ પાસે પહોંચી જાય છે. અને સાહેબ ઉંઘ આવતી નથી,શરીરમાં ધ્રુજારી આવે છે, અને માથુ ચડી જાય છે. આવી ફરિયાદો કરે છે.
હાલ લોકડાઉન છે તેમાં ૩૦થી ૪૦ ટકા લોકો માવા તમાકુ, બીડીની તલાશ માટે ઘરમાંથી બહાર નીકળે છે આને તેમાંથી અમુક પોલીસની ઝપટમાં ચડી જાય છે.
ગત તા.૧૪ એપ્રિલના લોકડાઉન પૂર્ણ થઈ જસે તેવી લોકોને આશા હતી. પરંતુ લોકડાઉનની મુદત વધુ લંબાઈ છે. જેના લીધે પાન, માવા, તમાકુ,બીડીના બંધાણીઓ કફોડી હાલતમાં મુકાયા છે.
બીડી, તમાકુના હોલસેલ વેપારી એશો.એ કરી કમિશનરને રજૂઆત
તમાકુ, બીડીનું વ્યસન હાનિકારક છે. પરંતુ જૂનાગઢ પંથકમાં અનેક લોકો આવા વ્યસન ધરાવે છે. જેને જમવા ન મળે તો ચાલે પરંતુ તમાકુ બીડી વગર ચાલતુ નથી. અને તેઓ તમાકુ બીડી સહિતની વસ્તુ માટે ભટકે છે. વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ પણ આ વ્યસનથી બાકાત નથી.હાલ આ વસ્તુના કાળા બજાર અને નકલી સામાનનો કારોબાર થઈ રહ્યો છે. આથી આ મામલે જૂનાગઢ બીડી સિગરેટ તમાકુના હોલસેલ વેપારી એશોએ આજે કમિશનરને રજૂઆત કરી હાલ વ્યસન સારૂ કે ખરાબ એ બાબતમાં પડયા વગર માત્ર લોકોને ઘરમાં રાખવાની વાતને પ્રાધાન્ય આપી આવા લોકોને વસ્તુ મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જેથી આવા લોકો ઘર બહાર નીકળતા બંધ થઈ જાય!