પોલીસ માટે શરમજનક: વ્યાજખોરોનો ઘરમાં ઘૂસી મહિલા પર નિર્લજ્જ હુમલો
- ભાજપનાં રાજમાં હદ વટાવી રહેલા નિરંકુશ વ્યાજખોરો
- અઢી લાખનું રોજનું અઢી હજાર વ્યાજ વસુલ કરવા છતાં ત્રાસ, જૂનાગઢ પોલીસે વ્યાજખોરો સામે લોકદરબાર કરવો જરૂરી
જૂનાગઢ, તા.18 જૂન 2019, મંગળવાર
જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરોએ માજા મુકી છે. વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના બનાવો છતાં સરકારે કોઈ નક્કર કદમ નહીં ઉઠાવતા નિરંકુશ વ્યાજખોરો હવે ઘરમાં ઘુસી મહિલાઓ ઉપર નિર્લજ્જ હુમલો કરતા થયા છે. કેશોદના રામવાડી વિસ્તારમાં રહેતા મહિલાએ અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં અને તેનું રોજનું અઢી હજાર વ્યાજ ચુકવ્યું છતાં બે વ્યાજખોરોએ મહિલાના ઘરે જઈ છ લાખની ઉઘરાણી કરી મહિલા પર નિર્લજ્જ હુમલો કરી તેના પતિ તથા સસરા સાથે ઝપાઝપી કરી ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે.પોલીસ માટે આ ઘટના શરમજનક છે. શહેર અને જિલ્લામાં વધતી વ્યાજખોરી સામે લોક દરબાર યોજી ઝૂંબેશ ચલાવવાની પોલીસે પહેલ કરવી જોઈએ.
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદના રામવાડી વિસ્તારમાં રહેતા સેનેહબેન મયુરભાઈ ગજેરાએ અમિત ઉર્ફે સાવરો ભુપેન્દ્ર લોહાણા તથા રામા કાના રબારી પાસેથી અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. તેનું રોજનું અઢી હજાર રૂપિયા લેખે વ્યાજ વસુલ કર્યું હતું. છતાં અમિત ઉર્ફે સાવરો તથા રામા કાના રબારી ગઈકાલે મહિલાના ઘરે ગયા હતાં અને ઘરમાં ઘુસી સ્નેહલબેનના પિતા પાસેથી છ લાખ રૂપિયાની માંગણી કરી ગાળો આપી ધમકી આપી હતી. મહિલાના પતિ તેમજ સસરા સાથે ઝપાઝપી કરી હતી. મહિલા વચ્ચે પડતા તેને લાકડી મારી નિર્લજ્જ હુમલો કર્યો હતો. અને છ લાખ રૂપિયા બળજબરીથી કઢાવવા મારી નાંખવા ધમકી આપી હતી.
આ અંગે સ્નેહલબેન મયુરભાઈ ગજેરાએ ફરિયાદ કરતા કેશોદ પોલીસે અમિત ઉર્ફે સાવરો ભુપેન્દ્ર લોહાણા તથા રામા કાના રબારી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.