જુનાગઢ, તા. 06 એપ્રીલ 2020, સોમવાર
અમેરિકાના ન્યૂયોર્ક ના બ્રોન્કસના ઝુમાં એક વાઘને કોરોના પોઝીટીવ આવ્યો છે .આથી કેન્દ્ર સરકારે તકેદારીના ભાગરૂપે દેશના તમામ ઝુ તથા વન વિભાગ માટે સૂચના જાહેર કરી છે. તેના અનુસંધાને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રાણીઓને સંક્રમણથી બચવા માટે ક્વોરોન્ટાઇન ઝોન તૈયાર કરાયો છે .તેમજ સેનિટાઇઝેશન શરૂ કરી દેવામાં આવ્યું છે .આ ઉપરાંત ઝુના સ્ટાફ તથા વનતંત્રના ફિલ્ડ સ્ટાફને પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપી દેવાઇ છે.
આ ઉપરાંત પાંજરામાં રહેલા પ્રાણીઓ પર સીસીટીવી કેમેરા મારફત નજર રાખવામાં આવી રહી છે .તેમજ ઝૂમાં પ્રાણીઓના કિપર, ખોરાક આપતા કર્મચારીઓને પણ હાથમોજા ,માસ્ક આપવામાં આવશે .અને કેન્દ્ર સરકારે આપેલી સૂચનાઓનું સંપૂર્ણ રીતે ચુસ્ત પાલન થાય તે માટે સૂચના આપવામાં આવી છે.


