લાંચ લેતા પકડાયેલા એ.સી.બી.ના પી.આઈ.નો નાર્કો ટેસ્ટ કરાવવા માંગ
- લાંચીયા અધિકારી સાથે મિલીભગત રાખનારાઓ સામે પણ પગલા જરૂરી
- કાનુનની ધાક-ધમકી આપી ભ્રષ્ટાચાર કર્યો હોવાની વિગતો સામે આવતા નાર્કો ટેસ્ટ કરાવવો જરૂરી હોવાની એસીબી નિયામકને રજૂઆત
જૂનાગઢ, તા. 29 ડિસેમ્બર 2019, રવિવાર
જૂનાગઢના એસીબી પીઆઈ ૧૮ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. આ પીઆઈ દ્વારા પોતાના મળતીયાઓ મારફત અરજી કરાવી કાનુની ધાકધમકી આપી ભ્રષ્ટાચાર કરતા હોવાની વિગતો સામે આવી છે ત્યારે લાંચ લેતા પકડાયેલા જૂનાગઢના એસીબી પીઆઈનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે એવી માંગ સાથે એસીબીના નિયામકને રજૂઆત કરવામાં આવી છે.
તાજેતરમાં અમદાવાદ ખાતેથી જૂનાગઢના એસીબી પીઆઈ ડી.ડી. ચાવડા ૧૮ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ એસીબી અધિકારી વિરૂદ્ધ અગાઉ પણ ભ્રષ્ટાચાર અને શંકાસ્પદ કાર્યવાહી અંગેની એસીબીના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ થઈ હતી. લાંચકાંડ બાદ એસીબી પીઆઈએ પોતાના મળતીયાઓ મારફત નામી અનામી અરજી કરાવી તબીબો, સરકારી અધિકારીઓ અને મનપાના અધિકારીઓને કાનુની ધાકધમકી આપી ભ્રષ્ટાચાર કર્યો હોવાની આશંકા છે.
આ અંગે જૂનાગઢના તુષાર સોજીત્રાએ એસીબીના નિયામક હોમ ડિપાર્ટમેન્ટ, રાજ્યના ડીજીપી સહિતનાઓને રજૂઆત કરી લાંચ લેતા ઝડપાયેલા પીઆઈ ડી.ડી. ચાવડાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે જેથી કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે હકિકત સામે આવશે.
આ ઉપરાંત લાંચીયા અધિકારી સાથે મિલીભગત રાખનારાઓ અંગે પણ તપાસ કરી પગલા લેવામાં આવે એવી માંગણી કરી છે.