Get The App

જૂનાગઢ મનપાનાં વાહનોનાં પેટ્રોલ-ડિઝલ ઓઈલનાં ખર્ચમાં 42.79 લાખનો વધારો

- 2017-18ના વર્ષ કરતા 2018-19ના વર્ષમાં

- 2017-18 માં 1.73 કરોડનો પેટ્રોલ ડિઝલ ખર્ચ હતો તે 2018-19માં 2.15 કરોડ, સિટી બસ, કચરાના વાહનનો કોન્ટ્રાકટ છતાં વધેલા ખર્ચ સામે સવાલ

Updated: Dec 2nd, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢ મનપાનાં વાહનોનાં પેટ્રોલ-ડિઝલ ઓઈલનાં ખર્ચમાં 42.79 લાખનો વધારો 1 - image


જૂનાગઢ,તા. 2 ડિસેમ્બર 2019, સોમવાર

જૂનાગઢ મહાપાલિકા દ્વારા સિટી બસ તથા કચરાના વાહનનો કોન્ટ્રાકટ અપાયેલો છે. છતાં ૨૦૧૭-૧૮  કરતા ૨૦૧૮-૧૯ના વર્ષમાં મનપાના વાહનોના પેટ્રોલ-ડિઝલ, ઓઈલના ખર્ચમાં ૪૨.૭૯ લાખનો વધારો થયો છે. આમ પેટ્રોલ-ડિઝલ, ઓઈલના નામે પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે. ત્યારે વધતા જતા આ ખર્ચ સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ડોર ટુ ડોર કચરા માટેના વાહનનો પણ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં વાહનો ભાડે રાખવામાં આવ્યા છે. તેમ છતાં ખર્ચ ઘટવાના બદલે વધી રહ્યો છે. મનપામાં નોંધાયેલા રેકર્ડ પ્રમાણે ૨૦૧૭-૧૮ ના વર્ષમાં વાહનોના પેટ્રોલ ડિઝલ, ઓઈલનો ખર્ચ ૧,૭૩,૧૫૪૬૨ હતો. જયારે ૨૦૧૮-૧૯ ના વર્ષનો પેટ્રોલ ડિઝલ ઓઈલના નામે ૨,૧૫,૯૪૭૨૪ નો ધુમાડો કરવામાં આવ્યો છે. 

આ અંગે કોંગ્રેસના નગરસેવક મંજુલાબેન પણસારાએ જણાવ્યું હતું કે, કચરા તથા સિટી બસનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તેમજ મોટા ભાગના વાહનો ભાડે પર રખાયા છે. આ સમય દરમ્યાન પેટ્રોલ-ડિઝલ ભાવમાં પણ એવો કોઈ વધારો થયો નથી. છતાં ૨૦૧૭-૧૮ કરતા ૨૦૧૮-૧૯માં પેટ્રોલ ડિઝલ - ઓઈલનો ખર્ચ ઘટવાના બદલે વધ્યો છે. આમ પ્રજાના પૈસાનો પેટ્રોલ-ડિઝલના નામે ધુમાડો કરવામાં આવે છે. એક વર્ષમાં માત્ર આ ખર્ચમાં જ ૪૭૭૯૨૬૨ નો વધારો થયો છે. જેની સામે અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

આ મામલે કોંગી નગરસેવકે મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી પ્રજાના પૈસાનો વ્યય ન થાય તે માટે પગલા લેવા માંગ કરી છે. જૂનાગઢ મનપા ભ્રષ્ટાચારની પાઠ શાળા સમાન થઈ ગઈ છે. આથી પ્રજાના નાણાનો વડેફાટ ન થાય અને આવા ખર્ચ પર અંકુશ રહે તે માટે સામાન્ય લોકોને સભ્ય બનાવી વાહન વ્યવહાર સમિતી બનાવવામાં આવે એવી માંગ કરી છે. જેથી પેટ્રોલ-ડિઝલના ધુમાડાના બદલે લોકોની પ્રાથમિક જરૂરિયાતના કામ માટે નાણાનો ઉપયોગ થઈ શકે. 

Tags :