કેશોદ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ થતાં ખેડૂતોનો ચક્કાજામ
- યાર્ડમાં માલનો ભરાવો થઈ જતા જગ્યા ન હોવાથી
- પાછળના ભાગના ગોડાઉન ખાતે ખરીદી શરૂ કરવા ખાતરીથી અડધી કલાકના ચક્કાજામ બાદ મામલો થાળે પડયો
જૂનાગઢ, તા. 27 ડિસેમ્બર 2019, શુક્રવાર
કેશોદ યાર્ડમાં મગફળીનો ભરાવો થઈ જતા આજે સવારે ટેકાના ભાવે મગફળી ખરીદી ઠપ્પ થતા રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. બાદમાં તંત્રએ પાછળના ગોડાઉન ખાતે ખરીદી શરૂ કરવા ખાતરી આપતા અડધી કલાકના ચક્કાજામ બાદ મામલો થાળે પડયો હતો.
કેશોદ યાર્ડ ખાતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી ખેડૂતો પાસેથી ખરીદ કરાયેલી મગફળીના જથ્થાને ગોડાઉનમાં ન મોકલાતા મગફળીનો યાર્ડમાં જ ભરાવો થઈ ગયો હતો. યાર્ડમાં જગ્યા ન હોવાથી આજે સવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ઠપ્પ કરી દેવામાં આવી હતી. મગફળી વેંચવા ગામડેથી ખેડૂતો આવ્યા હતા. પરંતુ ખરીદી બંધ હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા અને આ ખેડૂતોએ કેશોદ-વંથલી હાઈવે પર ચક્કાજામ કરી દેતા બંને બાજુ વાહનોની કતાર લાગી ગઈ હતી.
ખેડૂતોએ રેલા ચક્કાજામ બાદ તંત્રના જવાબદાર અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને યાર્ડની પાછળના ભાગમાં આવેલા ગોડાઉન ખાતે મગફળી ખરીદી શરૂ કરવા ખાતરી આપતા મામલો થાળે પડયો હતો અને અડધી કલાક બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
અત્રે નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ મગફળીનો જથ્થાનો ભરાવો થઈ જતા જગ્યા ન હોવાથી ખરીદી બંધ કરવામાં આવી હતી ત્યારે પણ ખેડૂતોએ હોબાળો કર્યો હતો અને તંત્રની બેદરકારીના લીધે આજે ફરી એ જ પ્રશ્ન થયો હતો.