ગિરમાં એક સિંહણનો મળી આવ્યો મૃતદેહ, બીજી સિંહણનું કૂવામાં પડી જવાથી મોત
- ખાંભા બીટના રેવન્યુ વિસ્તારમાં એક જ દિવસમાં બે સિંહણના મૃત્યુ
- અનીડા ગામની સીમમાં વાડીના ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી જવાથી સિંહણનું મોત, ઘેલીપાટ નજીકથી મળી આવેલા સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
જૂનાગઢ, તા.17 ફેબ્રુઆરી 2020, સોમવાર
ગીર પૂર્વના ખાંભા બીટના રેવન્યુ વિસ્તારમાં આવેલા અનીડા ગામની સીમમાં ખુલ્લા કુવામાં પડી જતા એક સિંહણનું ડૂબી જવાથી મોત થયું હતું. જયારે તુલસીશ્યામ રાઉન્ડમાંથી એક ૯થી ૧૨ વર્ષની સિંહણનો મૃતદેહ મળ્યો હતો. એક જ દિવસમાં બે સિંહણના મોતથી સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ તુલસી શ્યામ ખાંભા રેન્જના પીપળવા રાઉન્ડ રેવન્ય વિસ્તારમાં આવતા અનીડા ગામની સીમમાં કાળુભાઈ ફિનદળીયાની વાડીના ખુલ્લા કુવામાં એક સિંહણ ખાબકી હતી. આજે આ સિંહમનો મૃતદેહ કુવામાં જોવા મળતા ખેડુતે વનતંત્રને જાણ કરી હતી. બાદમાં વનતંત્રના એ.સી.એફ. આર.એફ.ઓ, સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યોે હતો. અને સિંહણના મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા પાંચથી નવ વર્ષની સિંહણના શરીર પર કંઈ શંકાસ્પદ ન હતું. બાદમાં સિંહણના મૃતદેહને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. જયાં પી.એમ. થયું હતું. જેમાં સિંહણનું કુવાના પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું હતું.
જયારે તુલસીશ્યામ રાઉન્ડના ઘેલી પાટ અભ્યારણ્ય વિસ્તારમાંથી પણ એક સિંહણનો મૃતદેહ મળ્યો હતો. ૯થી ૧૨ વર્ષની સિંહણના મૃતદેહને પણ જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે પી.એમ. માટે લઈ જવાયો હતો. જેનો રિપોર્ટ આવ્યાબાદ આ સિંહણના મોતનું કારણ સ્પષ્ટ થશે.થોડા દિવસ પહેલા પણ ખુલ્લા કુવામાં પડી જવાથી એક સિંહણનું મોત થયું હતું. ત્યાં આજે વધુ એક સિંહણનું ખુલ્લા કુવામાં પડી જતા કમોત થયું છે.
ગીર તથા આસપાસના વિસ્તારોમાં હજુ હજારો ખુલ્લા કુવાઓ સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે જોખમી છે. તેને સુરક્ષીત કરવાની વાતો થાય છે. પરંતુ નક્કર કામગીરી થતી નથી.
આમ એક જ દિવસમાં ગીર પૂર્વ વિસ્તારમાં બે સિંહણના મોત થતા સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. અને જે ખુલ્લા કુવા છે. તેને સુરક્ષીત કરવા તાકિદે નક્કર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.