જૂનાગઢ, તા.07 જાન્યુઆરી 2020, મંગળવાર
જૂનાગઢ મનપાએ આજે દાતાર રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે વિપક્ષના નેતાની આગેવાનીમાં સ્થાનિક લોકોએ એક સપ્તાહમાં સ્વૈચ્છીક રીતે દબાણ દૂર કરવા ખાતરી આપતા મનપાએ દબાણ દૂર કરવાની કાર્યવાહી મૌકુફ રાખી લોકોને દબાણ દૂર કરવા ૧૪ જાન્યુ. સુધીની મુદત આપી છે.
જૂનાગઢના દાતાર રોડથી આયુર્વેદ કોલેજને જોડતા પુલ તથા રસ્તો બનાવવાનો હોવાથી રસ્તા પર જેણે દબાણ કર્યું હતું તેવા ૫૦ દબાણકારોને ગત તા. ૧૯ના આખરી નોટિસ આપી હતી અને ૧૫ દિવસની મુદત આપી હતી. પરંતુ દબાણ દુર થયું ન હતું.
આખરી નોટિસ આપવા છતા દબાણ દૂર ન થતા મનપાનો સ્ટાફ આજે દાતાર રોડ પર બુલડોઝર સાથે પહોંચ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે વિપક્ષના નેતા તથા અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા. સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી.
મનપા દબાણ દૂર કરે તેમાં નુકસાન થાય તેમ હોવાથી સ્થાનિક લોકોએ એક સપ્તાહમાં દબાણ દૂર કરવા ખાતરી આપી હતી. આ અંગે વિપક્ષના નેતાએ કમિશનરને રજૂઆત કરી હતી. જેના અનુસંધાને કમિશનરે લોકોને સ્વૈચ્છીક રીતે દબાણ દૂર કરવા એક સપ્તાહનો સમય આપ્યો હતો. આગામી તા. ૧૪ સુધી મનપાએ લોકોને સ્વૈચ્છીક રીતે દબાણ દૂર કરવા મુદત આપી છે. ત્યાં સુધીમાં દબાણ દૂર નહીં થાય તો મહાપાલીકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે.


