જૂનાગઢમાં છ કરોડનાં ખર્ચે મનપા દ્વારા રસ્તા રિપેરીંગ કામનો પ્રારંભ
- નવા રસ્તા બનાવવાના બદલે
- સાબલપુર ચોકડી નજીકથી બિસ્માર રસ્તાના રિપેરીંગ શરૂ: દિવાળી પૂર્વે રસ્તા રિપેર થશે કે કેમ તે પણ મોટો સવાલ
જૂનાગઢ,તા. 21 ઓક્ટોબર 2019, સોમવાર
જૂનાગઢના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. તેને નવા બનાવવાના બદલે અધધ છ કરોડના ખર્ચે મહાપાલિકા માત્ર થીંગડા જ મારશે. આજે સાબલપુર ચોકડી નજીકથી બિસ્માર રસ્તાના રિપેરીંગનો પ્રારંભ થયો હતો. હવે દિવાળી પૂર્વે રસ્તા રિપેર પણ થશે કે કેમ ? તે પણ એક સવાલ છે.
જૂનાગઢ મહાનગર વિસ્તારમાં રસ્તાના કામ નબળા થતા ચોમાસામાં તૂટી ગયા હતા. આ રસ્તાઓ તૂટી જતા આઠથી દસ કરોડ રૂપિયાનું નુકસાન થયુ ંહતું. બિસ્માર રસ્તાથી લોકો પણ ત્રાહીમામ થઈ ગયા છે. સરકાર દ્વારા રસ્તા માટે ૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. પરંતુ આ રકમમાંથી શહેરમાં નવા રસ્તા બનાવવાના બદલે મહાપાલિકા દ્વારા ૬ કરોડના ખર્ચે માત્ર થીંગડા મારી રિપેરીંગ જ કરવામાં આવશે. આજે સાબલપુર ચોકડી નજીકથી બિસ્માર રસ્તાને રિપેરીંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે મનપાના ઈજનેર જણાવ્યું હતું કે આગામી સમયમાં ભુગર્ભ ગટરનું કામ કરવાનું હોવાથી હાલ રસ્તા રિપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હાલ રસ્તા રિપેરીંગનું કામ ચાલુ થયું છે. તેથી દિવાળી પૂર્વે શહેરના બિસ્માર રસ્તાઓ રિપેરીંગ થશે કે કેમ તે પણ સવાલ છે. માત્ર રિપેરીંગ માટે ૬ કરોડની રકમ બાબતે પણ અનેક સવાલ સર્જાયા છે.