મિલ્કત વેરાની વસુલાતમાં નિષ્ફળ મનપા ઝીંકે છે વેરા વધારાનો બોજ
- જૂનાગઢ મહાપાલિકાની વિચીત્ર નીતિ સામે રોષ
- 48 ટકા પ્રજાના વેરામાંથી ભરપાઈ ન કરતા પર ટકા લોકોને સુવિધા આપવી વ્યાજબી નથી, કડક વસુલાત કરી વેરો ભરતી પ્રજાને રાહત આપવા માંગ
જૂનાગઢ, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર
જૂનાગઢ મનપા વિસ્તારમાં રહેતા ૫૨ ટકા લોકો વેરા ભરપાઈ કરતા નથી. તેઓની પાસેથી વેરાની વસુલાત કરવાના બદલે વેરા ભરતા ૪૮ લોકોને વેરા વધારાનો ડામ આપવામાં આવે છે. ૪૮ ટકા લોકોના વેરાના પૈસામાંથી વેરા ભરપાઈ ન કરતા ૫૨ ટકા લોકોને સુવિધા આપવી યોગ્ય નથી. આથી કડક વસુલાત કરી વેરો ભરતી પ્રજાને રાહત આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
તાજેતરમાં જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમિટીએ પાણી વેરામાં ૫૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત મિલ્કત, સફાઈ સહિતના વેરાઓમાં વધારાને મંજુરી આપી છે. જેની સામે ભાજપના નગરસેવકો દ્વારા પણ વિરોધ ઉઠયો હતો. બાદમાં સ્થાનિક લોકો દ્વારા વેરા વધારાના વિરોધમાં સુત્રોચ્ચાર કરી સહી ઝુંબેશ કરવામાં આવી હતી.
જૂનાગઢમાં મોટાભાગના લોકો સામાન્ય રોજગાર સાથે જોડાયેલા છે હાલ મંદી અને બેકારીના કારણે સામાન્ય લોકોને વેરાભરપાઈ કરવામાં મુશ્કેલી પડે છે. પાણી વેરો ૭૦૦માથી ૧૨૦૦ રૂપિયા કરાયો છે. પરંતુ પાણી ૩ થી ૫ દિવસ ફિલ્ટર વગર વિતરણ થાય છે. શેરી-ગલીઓમાં રસ્તાઓ બિસ્માર છે. સફાઈ નિયમીત થતી નથી છતાં સુવિધા વગર વેરાવધારા લાગુ કરી દેવામાં આવે છે.
શહેરનાં પ૨ ટકા લોકો મનપાને વેરો ચુકવતા નથી. ૪૮ ટકા લોકો જ વેરા ભરપાઈ કરે છે. ત્યારે ૪૮ ટકા પ્રજાના પૈસા વેરા ભરપાઈ ન કરતા ૫૩ ટકા લોકોને સુવિધા આપવી યોગ્ય નથી. ૫૨ ટકા લોકો વેરા ભરતા નથી. તો તેની પાસેથી કડક રીતે વસુલાત થતી નથી. અને વેરા ભરતા લોકોને વેરા વધારાનો ડામ આપવામાં આવે છે. આથી ૫૨ ટકા લોકો પાસેથી પણ વેરાની વસુલાત કરી વેરા ભરપાઈ કરતા લોકોને સાહત આપવામાં આવે અને વેરા વધારો પરત ખેંચવામાં આવે એવી માંગ સાથે આજે કમિશનરને રજુઆત કરવામાં આવી હતી.
તા.13ના બજેટ બોર્ડ જાહેર જનતા સમક્ષ બોલાવા માંગ
આગામી તા.૧૩ના મનપા દ્વારા બજેટ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. ત્યારે વિપક્ષના સભ્યોએ મેયર કમિશનરને રજુઆત કરી પ્રજા બોર્ડની ચર્ચા અને નિર્ણય જોઈ શકે તે માટે જનરલ બોર્ડ મનપા કચેરીના ગ્રાઉન્ડમાં જાહેર જનતા સમક્, રાખવા માંગ કરી છે.