સંસારમાં રહેવું નથી, સ્વામિ બની જવું છે તેમ કહેતો તરૂણ લાપત્તા
- વિસાવદર તાલુકાના બરડીયા ગામમાંથી
- ધો. 12 સાયન્સમાં નાપાસ થયા બાદ ગુમસુમ રહેતો અને સફેદ કપડા પહેરી ફરતો હતો
અપહરણનો ગુનો દાખલ
વિસાવદર તાલુકાના વરડીયામાં રહેતો એક તરૂણ ધો.૧૨ સાયન્સમાં નાપાસ થયા બાદ ગુમસુમ રહેતો હતો. અને સફેદ કપડા પહેરી ફરતો હતો. તેમજ આ સંસારમાં રહેવું નથી. સ્વામિ જ બની જવું છે. તેમ કહ્યા કરતો હતો. ગત તા.૨૦ના તે ઘરેથી જતો રહ્યો હતો. શોધખોળ છતાં તેનો પતો ન મળતા તેના પિતાએ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં રહેતો યશ અતુલભાઈ સાવલીયા (ઉ.વ.૧૭) ધો.૧૨ સાયન્સમાં વંથલી ગુરૂકુળમાં અભ્યાસ કરતો હતો. પરંતુ તે ગત માર્ચ માસમાં લેવાયેલી પરીક્ષામાં ત્રણ વિષયમાં નાપાસ થયો હતો. ત્યારથી ગુમસુમ રહેતો હતો. અને સફેદ કપડા પહેરી ફરતો હતો. અને માતા-પિતાને અવાર-નવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિ બની જવું છે. તેમ કહ્યા કરતો હતો.
વીસેક દિવસ પહેલા તે ઘરેથી નીકળી વંથલી ગુરૂકુળ ખાતે જતો રહ્યો હતો. ત્યાંના સ્વામિએ તેના ઘરે ફોન કર્યો હતો. અને યશને સમજાવી તેના ઘરે મુકી ગયા હતાં. ગત તા.૨૦ના અતુલભાઈ તથા તેના પત્ની વાડીએ હતા. ત્યારે યશ ઘરેથી જતો રહ્યો હતો. અને પોતાના મિત્ર રાજને ફોન કરી કહ્યું હતું કે હું અહીંથી જાવ છું, હું વિરપુર રોડ પર છું. જ્યાં છુ ત્યાં સલામત છું મારે ઘર સંસાર માંડવો નથી. મારી ચિંતા કરતા નહીં તેવુ મારા માતા-પિતાને કહી દેજે. રાજે અતુલભાઈને ફોન કરી આ બાબતની જાણ કરી હતી. બાદમાં અતુલભાઈ તથા તેના પરિવારે યશની શોધખોળ કરી હતી. પરંતુ યશનો પતો લાગ્યો ન હતો.
આ મામલે અતુલભાઈ કુરજીભાઈ સાવલીયાએ ફરિયાદ કરતા યશ તરૂણ વયનો હોવાથી પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.