જૂનાગઢ : મનપા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મેનીફીસ્ટો જાહેર કરાયો
- ચાલુ વર્ષમાં ગિરનાર રોપ વે પ્રોજેક્ટ પૂર્ણ થશે
જૂનાગઢ, તા. 15 જુલાઇ 2019, સોમવાર
આગામી 21મી તારીખે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન યોજાશે, જેને લઇને ચૂંટણી જંગમાં હવે પ્રચારનો ધીમે-ધીમે પ્રારંભ થઈ રહ્યો છે. મનપા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સંકલ્પ પત્ર (મેનીફીસ્ટો) જાહેર કરાયો છે.
ભાજપના નેતાઓ હવે જૂનાગઢ શહેરમાં શું કરવામાં આવશે અને વિકાસ માટે કેવા પગલા લેવાશે વિગતો મેનિફેસ્ટોમા આપી છે. 21મી જુલાઈએ યોજાનાર મતદાનમાં કુલ 2.38 લાખ મતદારો નોધાયેલા છે, આ ચુટણી પ્રક્રિયા માટે ચુટણી ફ્રજ પરના આશરે કુલ 1306 કમચારીઓ રોકાયેલા છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ટક્કર ચાલી રહી છે. મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 25 બેઠકો પર એનસીપીના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
ઉલ્લેખનીય છે કે ત્રીજા પક્ષ તરીકે એનસીપી દ્વારા ગઈકાલે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢને ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન આપવાની વાત કરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પણ બહાર પાડવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં જૂનાગઢને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ઉપરાંત અનેક સમસ્યાના નિવારણની જાહેરાત કરી છે.
સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે
- પ્રવાસન થકી રોજગારી
- ચાલુ વર્ષમાં ગિરનાર રોપ વે પ્રોજેક્ટ પૂર્ણ થશે
- નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન કરી રીંગરોડ બનાવવો, અમદાવાદ કાંકરીયા જેવું બનાવવું
- જોશીપુરા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે ઓવરબ્રિજ બનાવાશે.
- ઐતિહાસિક સ્મારકોની જાળવણી
- રોડ ગટરની સફાઈ માટે આધુનિક સાધનો વસાવવા
- રસ્તા પહોળા કરવા
- શહેરના મહત્તમ વિસ્તારમાં મહિલાઓ માટે વોશરૂમ બનાવવા
- ભવનાથમાં ઐતિહાસિક સુદર્શન તળાવનું નવિનીકરણ
- લોકોની ફરીયાદો માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
- શહેરમાંથી પસાર થતા વોકળાની સફાઈ
- જ્યાં હજુ સીસીટીવી કેમેરા નથી લાગ્યા ત્યાં સીસીટીવી કેમેરા મુકી સુરક્ષામાં વધારો કરવો
- વપરાયેલા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
- નવી શાક માર્કેટ બનાવાશે
- સિનિયર સિટીઝન પાર્ક
- શહેરમાં રાત્રી બજાર શરૂ કરવી
- વિકસિત વિસ્તારમાં ટાઉનહોલ બનાવવા
- ઉનાળામાં પાણીની તંગી ન પડે તેવું આયોજન
- વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સ્ટેડિયમ બનાવવું
- વિધાર્થીઓ માટે ઈ લાઈબ્રેરી શરૂ થશે
- ગિરનાર અભ્યારણ્યમાં સિંહ દર્શન શરૂ કરાશે
- પર્યટન અને ધાર્મિક સ્થળોએ સેલ્ફી પોઈન્ટ ઉભા કરાશે