એકી-બેકી તારીખે દુકાન ખોલવાના વિરોધમાં માંગનાથ રોડ વિસ્તાર બંધ
- મેટ્રોસિટીના નિયમો જૂનાગઢમાં ન થોપવા માંગણી
- લોકડાઉનમાં છુટછાટ મળી પણ નવા નિયમોના લીધે વેપારીઓમાં વિરોધવંટોળ
સરકારે ગાઈડ લાઈન બનાવી છે તેમાં લોકો - વેપારીઓના સહકારની જરૂર : કમિશનર
જૂનાગઢ, તા. 20 મે, 2020, બુધવાર
જૂનાગઢમાં એકી - બેકી તારીખે દુકાન ખોલવાના નવા નિયમના વિરોધમાં આજે શહેરના માંગનાથ રોડ વિસ્તારના વેપારીઓએ બંધ પાળ્યો હતો. અને મેટ્રોસિટીના નિયમો જૂનાગઢમાં ન થોપવા માંગ કરી હતી. જયારે કમિશનરે જણાવ્યું હતું કે, લોકોનું આરોગ્ય જળવાય અને વેપાર - ધંધા પણ શરૂ થાય તે માટે સરકારે ગાઈડ લાઈન બનાવી છે. તેમાં લોકો તથા વેપારીઓના સહકારની જરૂર છે.
રાજય સરકારે કોરોનાના લીધે મુકેલા લોકડાઉનમાં છુટ છાટ આપી છે. અને વેપાર ધંધા શરૂ કરવા ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં બજારમાં ભીડ ઓછી થાય તે માટે મુખ્ય બજારો, શોપીંગ કોમ્પ્લેક્ષ સહિતના સ્થળોએ મનપાના વેરાની પહોંચના છેલ્લા અંક મુજબ એકી - બેકી તારીખે દુકાન ખોલવા સુચના આપી છે. જે મુજબ જૂનાગઢ મનપા દ્વારા પણ વપેારીઓને એકી બેકી મુજબ દુકાનો ખોલવા જણાવ્યું હતું. જેનો આજે જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારના વેપારીએ વિરોધ કર્યો હતો. અને એકી બેકી મુજબ દુકાન ખોલવાના નિયમના વિરોધમાં દુકાનો બંધ રાખી હતી. અને દોઢ માસથી વેપાર ધંધા બંધ છે. ત્યારે મેટ્રોસિટીના નિયમો જૂનાગઢમાં ન થોપવા માંગણી કરી હતી. વધુમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, એકી બેકી સંખ્યા મુજબ દુકાન ખોલવાથી ગ્રાહકોને તથા વેપારીઓને મૂશ્કેલી થશે. આથી ભલે સમય થોડો ઓછો મળે પણ બધી દુકાનો ખુલ્લી રાખવા છુટ મળે તેવી માંગણી કરી હતી. અને જયાં સુધી એકી બેકી નિયમ રદ નહી થાય ત્યાં સુધી દુકાનો બંધ રાખવા પણ ચિમકી આપી છે.
આ મામલે મહાપાલીકાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, સરકારે લોકોનું આરોગ્ય જળવાય તેમજ વેપાર ધંધા પણ શરૂ થાય તે માટે ગાઈડ લાઈન બનાવી છે. એ મુજબ એકી બેકી તારીખ મુજબ દુકાન ખોલવાનો અમલ કરવો પડશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા નિયમોનું પાલન થાય તે માટે લોકો તથા વેપારીઓના સહકારની જરૂર છે. તેથી સરકારની ગાઈડ લાઈનમાં સ્થાનિક કક્ષાએ ફેરફાર શકય નથી. તેથી વેપારીઓ અને લોકો નિયમનું પાલન કરે એ જરૂરી છે.