જુનાગઢ: સક્કરબાગમાં અસામાન્ય ઘટના, સિંહણ છ બચ્ચાને આપ્યો જન્મ !
- સામાન્ય રીતે કોઈપણ સિંહણ વધુમાં વધુ ચાર બચ્ચાને આપતી હોય છે જન્મ
જુનાગઢ, તા. 8 એપ્રિલ 2020 બુધવાર
કોરોના મહામારીના ભય વચ્ચે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક અસામાન્ય ઘટના બની છે. જેમાં ગતરાત્રે એક સિંહણે છ બચ્ચાને જન્મ આપ્યો છે.
સામાન્ય રીતે સિંહણ ગર્ભવતી થયા બાદ બે થી ત્રણ અને વધુમાં વધુ ચાર બચ્ચાને જન્મ આપે છે. પરંતુ જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે આવેલા એશિયાઇ સિંહ સંવર્ધન કેન્દ્રમાં ડી-1 નામની સિંહણ થોડા સમય અગાઉ ત્રાકુડા નામના સિંહના સફળ બ્રિડિન્ગથી ગર્ભવતી થઇ હતી. જેણે ગત રાત્રીના છ બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાં પાંચ માદા અને એક નર સિંહબાળ છે.
આ સાથે ડી-12 નામની સિંહણે પણ બે બચ્ચાને જન્મ આપ્યો છે. આ ઉપરાંત આઠ દિવસ પહેલા આંબરડી વિસ્તારમાંથી ત્રણ નવજાત સિંહબાળને લાવવામાં આવ્યા છે. પરિણામે સક્કરબાગ ઝૂમાં હાલ 17 સિંહબાળનો કિલકિલાટ થઈ રહ્યો છે.