સીમરણ ગામની સીમમાં દીપડાએ બે વર્ષના બાળકને ફાડી ખાદ્યો
- ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાં આવેલા
- એમ.પી.નો શ્રમિક પરિવાર રાત્રે ઉંઘી રહ્યો હતો ત્યારે દીપડો માતાના પડખામાંથી બાળકને ઉપાડી ગયો : શ્રમિક પરિવાર, ગ્રામજનોમાં ભય
જૂનાગઢ, તા. 29 માર્ચ 2020, રવિવાર
ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાં આવેલા સીમરણ ગામની સીમમાં ગતરાત્રે દીપડાએ આવી-માતાના પડખામાં ઉંઘી રહેલા બે વર્ષાના બાળકને ઉપાડી જઇ ફાડી ખાધો હતો. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અંગે વનતંત્રને જાણ થતા ઘટના સ્થળે જઇ દીપડાને પકડવા પાંજરૂ મુકવા તજવીજ હાથ ઘરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ મધ્યપ્રદેશના પિદુભાઇ બંગડીયા તથા તેનો પરિવાર હાલ સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે પેટિયુ રખવા આવ્યો છે. હાલ આ શ્રમિક પરિવાર સીમરણ ગામની સીમમાં સુરેશભાઇ મનસુખભાઇ લીંબાસીયાના ખેતરમાં રહે છે.
ગતરાત્રીના આ પરિવાર ઉંઘી રહ્યો હતો. અને શ્રમિક પરિવારનો બે વર્ષનો બાળક વિપુલ પોતાની માતાના પડખામાં સુતો હતો. ત્યારે સીમમાંથી દીપડો ચડી આવ્યો હતો. અને બે વર્ષના બાળક વિપુલને ઉપાડી ગયો હતો. બાળકના માતા-પિતાએ બુમાબુમ કરી છતા દીપડો બાળકને ઉપાડી નાસી ગયો હતો. અને વિપુલને થોડે દૂર જઇ ફાડી ખાધો હતો. આ અંગે પરિવારે ગામમાં જાણ કરતા વનતંત્રને જાણ કરવામાં આવી હતી. વનવિભાગના સ્ટાફે ઘટનાસ્થળે જઇ મૃતદેહને પી.એમ.માટે ખસેડયો હતો. અને દીપડાને પકડવા પાંજરુ મુકયુ હતું.
દીપડાએ બે વર્ષના બાળકને ફાડી ખાતા ગમગીની સાથે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. અને આ દીપડાને તાકિદે પકડવામાં આવે એવી માંગ ઉઠી હતી.
થોડા સમય પૂર્વ બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. ત્યાં ગતરાત્રે દીપડાએ બાળકને ફાડી ખાધોની ઘટના બની છે ત્યારે આવી દીપડાઓ પર અંકુશ રાખવા વન તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.