જુનાગઢના આઝાદ ચોકમાં લેડીઝ યુરિનલ જાળવણીના અભાવે બંધ
- મહાપાલિકા માટે શરમજનક
- મહિલાઓને પુરૂષોના યુરિનલમાં જવું પડે છેઃ અનેક રજૂઆતો, ફરિયાદો બાદ પણ નથી થઇ કોઇ કાર્યવાહી
જૂનાગઢ, તા. 17 ડિસેમ્બર 2019, મંગળવાર
જૂનાગઢના આઝાદ ચોકમાં આવેલું લેડીઝ યુરિનલ ઘણા સમયથી બંધ છે. આથી બહાર ગામથી આવેલી મહિલાઓને પુરૂષોના યુરિનલમાં જવા મજબુર થવું પડે છે. આ બાબત એ શરમજનક છે. આ લેડીઝ યુરિનલને શરૂ કરવા તથા તેની જાળવણી માટે અનેક રજૂઆતો ફરિયાદો થઇ પરંતુ મનપા દ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી.
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર શૌચાલય બનાવવા માટે અભિયાન ચલાવે છે અને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ જૂનાગઢ શહેરના મુખ્ય વિસ્તાર આઝાદ ચોકમાં લેડીઝ યુરિનલ આવેલું છે. તે જાળવણીના અભાવે લાંબા સમયથી બંધ છે. આથી બહાર ગામથી ખરીદી કરવા કે અન્ય કામ માટે આવેલા મહિલાઓને મુશ્કેલી ભોગવવી પડે છે.
અમુક વખતે તો મહિલાઓ આ યુરિનલ ખાતે આવે છે. પરંતુ લેડીઝ યુરિનલ બંધ હોય છે. આથી ના છુટકે મહિલાઓને બાજુમાં આવેલા પુરૂષોના યુરિનલમાં જવા મજબુર થવું પડે છે. આ સમયે એક મહિલાને સંકોચ સાથે બહાર ઉભું રહેવું પડે છે. મહિલાઓને પુરૂષોને યુરિનલમાં જવા મજબુર થવું પડે તે બાબતે શરમજનક છે.
આઝાદ ચોક એ શહેરનો મુખ્ય વિસ્તાર છે.બહાર ગામ તથા શહેરના મહિલાઓની અવરજવર રહે છે. નજીકમાં જ સિટી બસ સ્ટેન્ડ આવેલું છે. ત્યારે આ વિસ્તારમાં આવેલું એક માત્ર લેડીઝ યુરિનલ પણ બંધ હોવાથી મહિલાઓને હેરાન થવું પડે છે.
આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં મનપા તંત્રએ લેડીઝ યુરિનલ શરૂ કરવા અને તેની યોગ્યજાળવણી થાય તે અંગેની કોઇ કાર્યવાહી ન કરતા રોષ ફેલાયો છે.