એસટી બસની સુવિધાના અભાવે ગ્રામ્ય લોકો હેરાન
- ધ્રોલ અને આસપાસના પંથકમાં
- ગામડાંના લોકો માટે નજીકમાંથી પસાર થતી બસો પણ સ્ટોપ કરતી નથી!
ધ્રોલ, તા. 12 જુલાઈ, 2020, રવિવાર
કોરોના વાઇરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાંથી ક્રમશઃ બહાર આવવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં શહેરી વિસ્તારોમાં એસટી બસની સુવિધાનો આરંભ કરવામાં આવ્યો પણ ગ્રામ્ય વિસ્તાર માટે એસટી બસની સવલત આપવામાં ન આવતાં ધ્રોલ અને આસપાસના પંથકના લોકો પણ હેરાન થઈ રહ્યાની રાવ ઊઠી છે.
એસટી બસની ૧૦ ટકા સેવા પણ ગ્રામ્ય વિસ્તારોને મળતી નથી. એટલું જ નહીં ગામડાંના લોકો માટે નજીકમાંથી પસાર થતી બસો પણ સ્ટોપ કરતી નથી. ગ્રામ્ય વિસ્તારને આ સેવા પૂરી પાડવામાં તંત્ર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. આવા સમયે અહીંના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પણ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે. આ સંજોગો વચ્ચે ધ્રોલ-જોડિયા-કાલાવડના રૂટની બસો તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવી માગણી ઉઠવા પામી છે. વેપાર-ધંધાની સાથે શૈક્ષણિક રીતે આગળ વધી રહેલું ધ્રોલ જામનગર, પડધરી અને ટંકારાના ગ્રામ્ય વિસ્તારો સાથે પણ જોડાયેલું છે. એસટી બસની સુવિધા છયે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે તાત્કાલિક શરૂ કરવામાં આવે એવી માગણી પણ થઈ રહી છે.