FOLLOW US

ખૂન કા બદલા ખૂન: કુખ્યાત જુસબ ગેંગના સભ્યને ગોળી ધરબીને હત્યા

Updated: Mar 9th, 2023


વંથલીનાં રવનીમાં ધુળેટીની રાતે ટીકરના યુવકે પિતાની હત્યાનો બદલો લીધો  : ટીકર અને માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામના યુવાનને પોલીસે પકડી પાડી દેશી પિસ્તોલ કબ્જે કરી

જૂનાગઢ, : વંથલી તાલુકાના રવનીમાં ધુળેટીની રાત્રે ખૂન કા બદલા ખૂન જેવી ઘટના બની હતી, જેમાં કુખ્યાત જુસબના પિતરાઈ ભાઈ અને તેની ગેંગના સભ્ય પર ટીકરના યુવાને દેશી પિસ્તોલમાંથી આઠ રાઉન્ડ ફાયરીંગ કરી પોતાના પિતાની હત્યાનો બદલો લીધો હતો. પોલીસે આ ઘટના બાદ ટીકર અને માળીયાહાટીના તાલુકાના જામવાડી ગામના યુવાનની ધરપકડ કરી પિસ્તોલ કબ્જે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના રવનીમાં રહેતો કુખ્યાત જુસબ ગેંગના સભ્ય અને જુસબના પિતરાઈ ભાઈ સલીમ હબીબભાઈ સાંધ (ઉ.વ. 31) અને તેના ભાગીયું રાખતા કિશોર ઉર્ફે બુલબુલ રમેશ ચાવડા આશકશાપીરની દરગાહે જમણવાર હોવાથી વાડીએ રસોડું કરવાનું હોવાથી ગતરાત્રે બાઈક પર વાડીએ જવા નીકળ્યા હતા. સલીમ બાઈક ચલાવતો હતો તેમજ કિશોર પાછળ બેઠો હતો. બંને બેંક પાસે પહોંચ્યા ત્યારે બે બુકાનીધારી શખ્સે સલીમ સાંધના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું. સલીમ અને કિશોર  પડી ગયા બાદ આ શખ્સોએ સલીમ પર પિસ્તોલમાંથી આઠેક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું, જે ગોળીઓ સલીમ સાંધને દાઢી, ગળા, ડાબા હાથ અને છાતીમાં ઘૂસી ગઈ હતી. આ દરમ્યાન એક શખ્સે મો પર બાંધેલી બુકાની છૂટી જતા કિશોર ટિકરના લતીફ અબ્દુલ સાંધને ઓળખી ગયો હતો. હત્યા બાદ બંને બુકાનીધારીઓ નાસી ગયા હતા.

સલીમના પિતા હબીબભાઈ ઇબ્રાહિમ સાંધે ટીકરના લતીફ અબ્દુલ સાંધ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વંથલી પીએસઆઇ એસ.એન.સોનારા, એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. જે.જે.પટેલ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી અને ટીકરના લતીફ  અબ્દુલ ઉર્ફે અબલો સાંધ(ઉ.વ. 22) તેમજ તેની સાથેના માળીયા હાટીનાં તાલુકાના જામવાડી ગામના મુસ્તાક હનીફ ઉર્ફે મહમદ અલી દલ (ઉ.વ. 20)ને પકડી લીધા હતા.

આ અંગે એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે લતીફના પિતાની દસ અગિયાર વર્ષ પહેલા  વાડલા ફાટક નજીક સલીમ સાંધ અને તેના સાગરિતોએ હત્યા કરી હતી. આ બાબતનું વેરઝેર ચાલતું હતું. આથી આથી લતીફ અને તેના માસીયાઈએ ધૂળેટીની રાત્રે રવની જઈને સલીમની અવરજવર પર વોચ રાખી હતી અને સલીમ બાઈક પર નીકળતા જ તેની સાથે બાઈક અથડાવી આઠેક રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરી હતી. લતીફ પાસેથી  પાસેથી દેશી બનાવટની પિસ્તોલ કબ્જે કરી આ હથિયાર ક્યાંથી મેળવ્યું તેમજ અન્ય કોઈ હત્યામાં સામેલ છે કે કેમ એ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ ,વર્ષો પહેલાના વેરઝેરના કારણે રવનીમાં એક લોથ ઢળતા પંથકમાં ચકચાર વ્યાપી ગઈ હતી.

વેર ન વળે ત્યાં સુધી ઉઘાડા પગે ચાલવાની  બાધા રાખી હતી

ટીકરના લતીફ અબ્દુલ સાંધે પિતાની હત્યા બાદ તેનું સલીમના પરિવાર સાથે વેર ન વાળે ત્યાં સુધી ઉઘાડા પગે ચાલવાની બાધા રાખી હતી અને ગતરાત્રે મોકો મળતા તેણે સલીમ સાંધની ગોળી ધરબી હત્યા કરી પોતાના પિતાની હત્યાનું વેર વાળ્યું હતું.


Gujarat
IPL-2023
Magazines