ખાખરા હડમતીયા ગામની સીમમાં મારામારી : વૃધ્ધની હત્યાનો પ્રયાસ
- વાડીએ જવાના રસ્તે ચાલવાના મુદ્દે માથાકૂટ
- મામા- ફઈનાં ભાઈઓ વચ્ચેની બબાલમાં વૃધ્ધને કૂહાડી ઝીંકી દેતા ચાર શખ્સો સામે ગુનો દાખલ, સામાપક્ષે પાઈપ, લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ
જૂનાગઢ, તા.04 એપ્રિલ 2020, શનિવાર
ભેંસાણ તાલુકાના ખાખરા હડમતીયા ગામની સીમમાં વાડીએ જવાના રસ્તે ચાલવાના મનદુ:ખમાં મામા ફઈના ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં વૃધ્ધને માથામાં કુહાડી ઝીંકી દેતા ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો. જયારે સામાપક્ષે પાઈપ, લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભેંસાણ તાલુકાના ચુડા ગામમાં રહેતા દાદભાઈ ભીમભાઈ ધાધલ (ઉ.વ.૬૫) ની ૧૧ વિઘા જમીન ખાખરા હડમતીયા ગામની સીમમાં આવેલી છે. તેના ખેતરની બાજુમાં તેના ફૂઈના દીકરા બદરૂભાઈ ભાયાભાી હુંદડની વાડી આવેલી છે. બદરૂભાઈ અવાર નવાર રસ્તો બંધ કરી દેતા હતા.
બે દિવસ પહેલા સમજાવટ બાદ બદરૂભાઈ દાદભાઈને ચાલવા દેવા રાજી થઈ ગયા હતાં. પરંતુ ગઈકાલે દાદભાઈના પુત્રો ત્યાંથી નીકળતા રસ્તો બંધ હતો. આથી તેઓએ દાદભાઈને વાત કરતા તેઓ વાડીએ પહોંચ્યા હતાં. અને બદરૂ ભાઈને સમજાવવા ગયા હતાં. ત્યાં જઈ રસ્તો કેમ બંધ કર્યો તેમ કહેતા બદરૂભાીએ ઉશ્કેરાઈ જઈ દાદભાઈ ધાધલના માથામાં કુહાડી જીંકી દીધી હતી. જયારે તેના પુત્ર જયરાજે લાકડીથી મારમાર્યો હતો. તો મેરામભાઈ તથા દેવકુભાઈએ આવી ઢીકાપાટુનો માર માર્યો હતો. દાદભાઈ ધાધલને ગંભીર ઈજા થતાં જૂનાગઢ ખસેડાયા હતાં.
આ અંગે ફરિયાદ થતા પોલીસે બદરૂ ભયા હુદડ, જયરાજ બદરૂ હુદડ, મેરામ હુદડ અને દેવકુ હુદડ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. જયારે સામાપક્ષે બદરૂભાઈ ભાયાભાી હુદડે દાદભાઈ ભીમભાઈ ધાધલ, વિરકુ દાદ ધાધલ, રણજીત દાદભાઈ ધાધલ અને મયલુ દાદભાઈ ધાધલ સામે પાીપ તથા લાકડીથી હુમલો કરી ડાબા પગમાં ફેકચર કરી જમણા પગનું હાડકું ભાગી નાંખ્યાની ફરિયાદ કરતા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.