Get The App

જૂનાગઢ: ભવનાથમાં આવેલા પુનિત આશ્રમના સ્થાપક પુનિત મહારાજ બ્રહ્મલીન થયા

Updated: Mar 9th, 2022

GS TEAM

Google News
Google News
જૂનાગઢ: ભવનાથમાં આવેલા પુનિત આશ્રમના સ્થાપક પુનિત મહારાજ બ્રહ્મલીન થયા 1 - image


- વરદાની મહામંત્ર ‘હરિ ૐ તત્સત જય ગુરુદત્ત’ દ્વારા અનેક લોકોના જીવન પલટી નાખ્યા હતા

જૂનાગઢ, તા. 09 માર્ચ, 2022, બુધવાર

સૌરાષ્ટ્રના જાણીતા સંત દેવલોક પામતા તેમના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. જૂનાગઢમાં ભવનાથ ખાતે આવેલા પુનિત આશ્રમના સ્થાપક પુનિતાચારીજી મહારાજ તારીખ 8 માર્ચના રોજ દેહાવસાન પામ્યા હતા. ગિરનાર સાધના આશ્રમ જૂનાગઢના આદ્યસ્થાપક અને ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા સંત પુનિતાચારીજી મહારાજ ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા.

સંત પુનિત આચાર્ય તરીક જાણીતા સંત પુનિતાચારીજી ગુરૂદત્ત મહારાજના ઉપાસક હતા. વરદાની મહામંત્ર 'હરિ ૐ તત્સત જય ગુરુદત્ત'ના પ્રણેતા સંત પુનિત આચાર્યના પુનિત આશ્રમમાં દેશ વિદેશથી પણ અનેક લોકો યોગ અને ધ્યાન માટે આવતા હતા.

સંત પુનિત આચાર્યે ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહત્વની ધ્યાન પરંપરાને જીવંત રાખવામાં સહજ ધ્યાન યોગ શિબિરો દ્વારા મહત્વનું યોગદાન આપ્યું હતું. સંત પુનિત આચાર્યે સહજ ધ્યાન યોગ અને 'હરિ ૐ તત્સત જય ગુરુદત્ત' મંત્ર દ્વારા ઘણાં લોકોનાં જીવનને સાત્વિક બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. તેમના અવસાનના સમાચાર અંગે જાણ્યા બાદ દેશ-વિદેશના અનુયાયીઓમાં શોકની લાગણી વ્યાપી છે અને તેમના અંતિમ દર્શન માટે આશ્રમ ખાતે લોકો એકઠાં થઈ રહ્યા છે. 

આગામી તા. 11 માર્ચ 2022ના રોજ ફાગણ શુક્લ અષ્ટમી, શુક્રવારે સવારે 10:00 કલાકે તેમના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપવામાં આવશે અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. 

તારીખ 12 માર્ચ 2022ના રોજ સાંજે 4:00થી 6:00 વાગ્યા દરમિયાન આશ્રમ પરિસર ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી છે. તારીખ 9 અને 10 માર્ચના રોજ સવારે 9:00થી સાંજના 6:00 વાગ્યા દરમિયાન આશ્રમ પરિસરમાં તેમના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરી શકાશે. 

જૂનાગઢ: ભવનાથમાં આવેલા પુનિત આશ્રમના સ્થાપક પુનિત મહારાજ બ્રહ્મલીન થયા 2 - image

Tags :