Get The App

જૂનાગઢમાં આંતરરાજ્ય ATM ચીટર ગેંગ પકડાઈઃ બે ડઝન ગુનાની કબુલાત

- ઉત્તરપ્રદેશના ચાર શખ્સોની ધરપકડ,એક ફરાર

- ATM કાર્ડ ક્લોન કરીને ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, બંગાળ સહિતના રાજ્યોમાં પણ અનેક લોકોના રૂપિયા તફડાવ્યા

Updated: Jun 15th, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢમાં આંતરરાજ્ય ATM ચીટર ગેંગ પકડાઈઃ બે ડઝન ગુનાની કબુલાત 1 - image



જૂનાગઢ, તા. 15 જૂન 2019, શનિવાર

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં એટીએમ ફ્રોડ આચરતી ટોળકીના ચાર શખ્સોને જૂનાગઢ પોલીસે કેશોદના અજાબ ખાતેથી ઝડપી લઈ રૂા. ૮૨૫૦૦ રોકડા તથા સ્કેનર, લેપટોપ, રાઈટર કબ્જે કરી પ્રાથમિક પુછપરછમાં વિવિધ રાજ્યોમાં બે ડઝન ગુનાની કબુલાત આપી હતી.

આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘએ જણાવેલું કે વંથલીના શશીકાંત વલ્લભ આંકોલના બેંકખાતામાંથી રૂા. ૨૯૫૦૦ તથા કેશોદના ભરડવા અજય મનસુખભાઈના બેંક ખાતામાંથી રૂા. ૫૯૫૦૦ ઓટીપી નંબર કોઈને આપ્યા વગર ઉઠાંતરી કરી ગયાની ફરિયાદો નોંધાઈ હતી. 

જેથી આ ટોળકીનો શોધી કાઢવા એસઓજીને સુચના આપવામાં આવી હતી. એસઓજી પોલીસ તથા સાયબર સેલની ટીમે તપાસ હાથ ધરી ઘટના સ્થળની માહિતી મેળવી હતી. સાયબર સેલના પીએસઆઈ  વાળાએ હાથ ધરેલી તપાસ દરમ્યાન હકીકત મળેલી કે મહારાષ્ટ્ર પાસીંગની ટેક્સી ગાડીમાં અમુક શખ્સો કેશોદ પંથકમાં છે. તેથી બાતમીદારોને કામે લગાડી, કેશોદના અગતરાય ત્રણ રસ્તા પાસેથી આ આરોપીઓને ઝડપી લીધા હતા.

ઝડપાયેલાઓમાં મુળ ઉતરપ્રદેશના અને હાલ મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં રહેતા વિનય બંગાલી, કંસારા (ઉ. ૨૭), વિનોદ મુન્નાલાલ વર્મા (ઉ. ૨૫, મુળ ઉતરપ્રદેશ, હાલ ગોરેગાવ વેસ્ટ), સુનિલ રામબરન વર્મા પટેલ (ઉ. ૩૦, ઉતરપ્રદેશ) અને રાઘવેન્દ્ર ઉર્ફે ભોલો રામકશોર યાદવ (ઉ. ૨૫, રે. ઉતરપ્રદેશ) ઝડપાયા છે. જ્યારે આ ટોળકીનો અમીત વિજયનાથ પાંડે (રે. ઉતરપ્રદેશ) પોલેન્ડ નાસી ગયો છે.

પોલીસે આ ટોળી પાસેથી એટીએમ ક્લોનના સાધનોમાં લેપટોપ, સ્કીમર- ૨ રાઈટર-૧, અલગ અલગ બેંકના ક્લોન એટીએમ નંગ-૨૦ તથા રોકડા રૂા. ૮૨૫૦૦, પાંચ મોબાઈલો અને ફોર વ્હીલ કારને એમએમચ૪૩બીએ ૧૨૧૬ કબ્જે કરી હતી.

આ ટોળકીએ વંથલી અને કેશોદ તથા સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલીના રાજુલા, પીપાવાવ, સાવરકુંડલા, ચલાલા મળી અમરેલી જિલ્લામાં આઠ ગુના આચર્યા હતા. રાજકોટ જિલ્લામાં એક, જામનગર જિલ્લામાં ચાર, સુરત, વડોદરા, દાહોદ, ભરૂચ, વલલાડ, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ, આસામ સહિતના રાજ્યોમાં એટીએમ ક્લોનીંગની કબુલાત કરી હતી.

ઝડપાયેલા પૈકી સુનિલ અગાઉ આવા ગુનામાં ઉતરપ્રદેશના કોસંબી પોલીસ સ્ટેશન તથા ભરૂચ પોલીસના હાથે ઝડપાયો હતો. રાઘવેન્દ્ર સાંગીપુર પોલીસના હાથે ઝડપાયેલ છે. જ્યારે વિનોદ ઉતરપ્રદેશ પોલીસના હાથે પકડાયેલા છે.

આ શખ્સોને કેશોદ પોલીસના હવાલે કરી રીમાન્ડ ઉપર મેળવી પુછપરછમાં વધારે એટીએમ ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલાય તેવી પોલીસને આશંકા છે.

Tags :