જૂનાગઢ, તા.21 એપ્રિલ 2020, મંગળવાર
જૂનાગઢ જિલ્લામાં ચેકપોસ્ટ પર બંદોબસ્ત તથા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પેટ્રોલીંગ હોવા છતાં સુરત, કચ્છ સહિતના વિસ્તારોમાંથી જૂનાગઢ જિલ્લામાં આવી ગયેલા વધુ છ વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે જિલ્લામાં લોકડાઉન ભંગ બદલ વધુ ૧૩૫ જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.
કોરોના વાઈરસનાં સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા લોકડાઉનના અમલ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી અને ભવિષ્યમાં ન આવે તે માટે જિલ્લાની સરહદો સીલ કરી અન્ય વિસ્તારમાંથી મંજૂરી વગર આવતા લોકોને જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.
પોલીસ દ્વારા આસપાસના જિલ્લાની સરહદો પર ચેકપોસ્ટ ખાતે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં અમુક લોકો ચોરી છૂપીથી જૂનાગઢ જિલ્લામાં ઘૂસી રહ્યા છે.
ગઈકાલે જૂનાગઢના વાંઝાવાડ વિસ્તારમાં અક્ષય મનિષ સોલંકી અમદાવાદથી આવી ગયો હતો. જ્યારે કાકુમલ ભનુમલ હુઘલાણી કચ્છ જિલ્લામાંથી જૂનાગઢ આવ્યા હતા. જ્યારે પ્રકાશ આનંદરામ ગાંધીધામથી જૂનાગઢના આદર્શનગરમાં પહોંચી ગયો હતો. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના ચીંગરીયા ગામના ભરત પૂંજાભાઈ દાસા શીલ પંથકમાં, જીજ્ઞોશ સોમાતભાઈ ચોચા તેમજ ધીરૂભાઈ કાથડભાઈ કાગડા સુરતથી માળીયા હાટીના તાલુકાના કેરાળામાં મંજૂરી વગર આવ જતા પોલીસે આ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો.
આ ઉપરાંત લોકડાઉન હોવા છતાં જૂનાગઢ જિલ્લામાં ઘર બહાર નીકળી રસ્તા પર આંટા મારવા અને જાહેરમાં એકત્ર થનાર ૧૩૫ જેટલા લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


