ચોરવાડ ખાતે લાઇટના ધાંધિયા વધતા ગરમીમાં લોકો પરેશાન
- 24 કલાકમાં 20 વખત ગુલ થઈ જતી વીજળી
- 66 કેવી સબસ્ટેશનમાંથી લાઇન ખેંચવાનું ટલ્લે ચઢતું કાર્ય
ચોરવાડ, તા. 27 મે 2020, બુધવાર
માળિયા હાટીના તાલુકાના ચોરવાડ શહેર ખાતે 66 કેવી સબ સ્ટેશન અંદાજે ૨ વર્ષથી તૈયાર થઈ ગયું છે. માત્ર લાઇન ખેંચવાની બાકી હોવાથી જ્યોતિગ્રામ લાઇટના લાભાર્થીઓ વંચિત છે. દિવસ-રાત્રિના 24 કલાક દરમ્યાન 20 વખતથી વધુ વાર લાઇટ ગુલ થઈ જાય છે. હાલ એક 66 કેવી સબસ્ટેશન પર અનેક ગ્રામ્ય વિસ્તાર તથા વાડી વિસ્તાર, પથ્થરની ખાણો વગેરેનું લોડ વધ્યો છે.
આ બાબતે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને ગ્રામજનો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે. દર વખતે એક જવાબ મળ્યો કે મેઘલ નદીના પટમાં પાણી સુકાઈ જાય એટલે તુરંત કામગીરી ચાલુ કરવામાં આવશે. હાલ નદીના પટમાં પાણી સુકાઈ ગયું હોવા છતાં હજી સુધી કામગીરી ચાલુ થઈ નથી. જો અત્યારે કામગીરી ચાલુ નહીં થાય તો ચોમાસું નજીક હોવાથી આ કાર્ય એક વર્ષ સુધી ટલ્લે ચઢશે.
ગ્રામજનો તથા આગેવાનો ઊર્જા મંત્રી તથા જેટકો કંપનીના કાર્યપાલક ઇજનેરને પણ રજૂઆત કરી ચૂક્યા છે. આ લાઇન ખેંચી 66 કેવી સબ સ્ટેશન ચાલુ કરવામાં નહીં આવે તો દરિયાની ખારાશ લાગવાને કારણે મશીનરી ચાલુ થયા પહેલાં જ જર્જરિત થઈ જશે અને આ સમસ્યાનું નિવારણ થશે નહીં. તેથી આ કાર્ય સત્વરે ચાલુ થાય એવી લોકોએ પ્રબળ માગણી ઉઠાવી છે.