જૂનાગઢમાં અડધા કલાકમાં જ ધોધમાર બે ઇંચ વરસાદ
- જોષીપરા અન્ડર બ્રીજમાં પાણી ભરાતા કાર ફસાઈ
- - મુખ્ય માર્ગો પર જાણે નદી વહી, વંથલીમાં સવા બે, મેંદરડા વિસ્તારમાં દોઢ, માંગરોળમાં એક ઇંચ વરસાદ
જૂનાગઢ, તા.23 જુલાઈ 2019, મંગળવાર
જૂનાગઢમાં આજે સવારથી અસહ્ય બફારો અને ગરમીનો અનુભવ થયો હતો. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને થોડીવારમાં પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. અડધી કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બે ઇંચ પાણી વરસી ગયું હતું.
શેરી-ગલી તેમજ મુખ્ય રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેમ પાણી વહેવા લાગ્યા હતા. શહેરના જોષીપરા અંડર બ્રીજમાં અચાનક વરસાદનું પાણી ભરાતા ત્યાં એક કાર ફસાઈ ગઈ હતી. સદનસીબે તેનો ચાલક બહાર નીકળી ગયો હતો.
જૂનાગઢ ઉપરાંત વંથલીમાં પણ ધોધમાર સવા બે ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી-પાણી થઈ ગયું હતું. અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.
જ્યારે મેંદરડા તથા વિસાવદરમાં દોઢ ઇંચ તો માંગરોળમાં એક ઇંચ વરસાદ થયો હતો. જ્યારે માણાવદમાં ૩ મી.મી., માળિયા હાટીનામાં ૪ મી.મી. અને ભેંસાણમાં માત્રે બે મી.મી. વરસાદ થયો હતો.