જૂનાગઢમાં પોલીસનાં મારથી વૃધ્ધનાં મોત અંગે ન્યાયિક તપાસ કરવા માંગ
- ચોરીની શંકાથી અન્ય 11 વ્યક્તિને ઢોરમાર માર્યો હોવાની ફરિયાદ
- અમદાવાદના વિચરતા સમુદાય સમર્થન મંચે જવાબદાર પોલીસ કર્મીઓ સામે પગલા લેવા કરી રેન્જ આઈ.જી. સહિતનાઓને રજૂઆત
જૂનાગઢ, તા.22 ઓગસ્ટ 2019, ગુરૂવાર
જૂનાગઢના ચોબારી રોડ પર છાપરા બાંધી રહેતા ૧૨ શખ્સોને પોલીસ ચોરીની શંકાથી પકડી ગઈ હતી અને તેઓને ઢોર માર માર્યો હતો. જેમાં એક વૃધ્ધનું મોત થયું હતું. આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે અમદાવાદના વિચરતા સમુદાય સમર્થન મંચે રેન્જ આઈ.જી. તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
શહેરનાં ચોબારી રોડ પર છાપર બાંધી રહેતા અને મજૂરી કામ કરતા બજાણીયા સમુદાયના ૧૨ જેટલા લોકોને સી.ડિવિઝન પોલીસ ગત તા.૧૫નાં રાત્રે ઉઠાડી લઈ ગઈ હતી. બાદમાં તેઓને ઢોર માર માર્યો હતો. તેમાં હીરાભાઈ રૂપાભાઈ બજાણીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધનું મોત થયું હતું. આ વૃધ્ધનાં મોત અંગે તથા બજાણીયા સમુદાયના અન્ય ૧૧ વ્યક્તિને માર માર મામલે અમદાવાદની વિચરતા સમુદાય સમર્થન મંચ તથા પોલીસના મારનો ભોગ બનેલા બજાણીયા સમુદાયના લોકોએ રેન્જ આઈ.જી.ને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ચોરીની શંકાથી ઉપાડી જઈ રાત્રીનાં ૩.૩૦ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી માર મારી ચોરીનો ગુનો કબુલ કરવા કહ્યું હતું. એક બીજાને લાકડી આપી માર મરાવ્યો હતો.
આ લોકોએ ગુનો કર્યો નથી તો કેમ કબુલ કરીએ તેમ કહ્યું પરંતુ પોલીસ કંઈ સાંભળવા તૈયાર ન હતી. ફરી સવારે નવ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા સુધી માર માર્યો હતો. બાદમાં પોલીસે રાત્રીનાં છોડતા હોસ્પિટલમાં દાખલ થયા તો ત્યાં પણ સારવાર ન મળી અને ત્યાં પણ બીજા કેસમાં ફસાવી દેવા ધમકી આપવામાં આવી હતી.
મૃતક હીરાભાઈએ ચોરી કબુલ કરી છે અને તેનું એટેકથી મોત થયાની વાતો વહેતી થઈ હતી. પણ આ રજુઆતમાં આ બાબત ખોટી છે. તેમ જણાવ્યું છે. પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંજુર કરી પૂછપરછના બદલે કોઈ કાર્યવાહી વગર માર મારવાની ઘટનાથી અનેક સવાલ ઉઠયા છે.
વધુમાં જણાવ્યું છે કે, બજાણીયા સમુદાયમાં મૃતકની દફનવિધીનો રિવાજ છે. પરંતુ પોલીસે પોતાના કારનામાં છુપાવવા માટે રાતો રાત હીરાભાઈ બજાણીયાના ચારેક સગાને બોલાવી અન્ય કોઈને જાણ કર્યા વિના અગ્નિસંસ્કાર કરાવ્યા હતાં.
આ મામલાની ન્યાયિક તપાસ કરવામાં આવે અને સી.ડિવિઝન પોલીસ સ્ટેશનનાં જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.