જૂનાગઢ જિલ્લામાં લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 20 વ્યકિતને જ મંજૂરી
- 3 મે સુધીના લોકડાઉનના સમય દરમ્યાન
- જે - તે વિસ્તારના પ્રાંત અધિકારી પાસેથી લેવી પડશે મંજૂરી
જૂનાગઢ, તા.23 એપ્રિલ 2020,ગુરુવાર
જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનના સમય દરમ્યાન લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ બન્ને પક્ષના ૨૦ વ્યકિતને જ મંજૂરી આપવામાં આવશે. તેના માટે પ્રાંત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે.
જૂનાગઢ જિલ્લામાં ૩ મે સુધીના લોકડાઉન દરમ્યાન કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકારની ગાઇડલાઇન મુજબ જૂનાગઢ જિલ્લામાં લગ્ન પ્રસંગના કિસ્સામાં વધુમાં વધુ ૨૦ વ્યકિતઓની મર્યાદામાં મંજૂરી આપવામાં આવશે. જેમાં વર - કન્યા પક્ષ તથા વિધી કરાવનાર સહિત ૨૦ વ્યકિતને પ્રાંત અધિકારી પાસેથી મંજૂરી લેવી પડશે.
જ્યારે ૨૦ એપ્રિલથી સ્મશાન યાત્રામાં ૨૦ વ્યકિતઓ સુધી જોડાવાની બાબતમાં મુક્તિ આપવામાં આવી છે.
ચશ્મા, પુસ્તકોની દુકાન, સુથાર પ્લમ્બરને કામ માટે મંજૂરી
ચશ્મા, પુસ્તક, ઇલેકટ્રીક પંખા, મોબાઇલ રિચાર્જ સુવિધા માટે ટેલિકોમ્યુનિકેશન કંપનીના ઓથોરાઇઝડ સ્ટોરને મંજૂરી અપાઇ છે. તેના માટે મનપામાં નાયબ કમિશનર, ન.પા.માં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તાર માટે મામલતદાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. જ્યારે સુથાર, ઇલેકટ્રીશ્યન, પ્લમ્બર, કોમ્પ્યુટર રિપેરીંગ તથા વાહન રિપેરીંગ માટેના જે તે કંપનીના ઓથોરાઇઝડ ડીલરને મંજૂરી અપાશે. જેમાં જૂનાગઢ મનપા વિસ્તારમાં આઇ.ટી.આઇ.ના આચાર્ય, ન.પા. વિસ્તારમાં ચીફ ઓફિસર અને ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર પાસેથી મંજૂરી લેવાની રહેશે.